સુલતાનપુરઃ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ તેમની ટિપ્પણી બદલ ભાજપના એક નેતા દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે 2018માં કરવામાં આવેલા માનહાનિના કેસમાં આજે તેમને જામીન આપવામાં આવ્યા છે.
કૉંગ્રેસના નેતાએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યા પછી તરત જ તેમને જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. તેમના એડવોકેટ સંતોષ પાંડેએ જણાવ્યું હતું કે જામીન આપતા પહેલા રાહુલ ગાંધીને થોડી વાર માટે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી અને તેમને જામીન આપવામાં આવ્યા હતા. પાંડેએ એમ પણ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી નિર્દોષ છે અને તેમણે કોઇ બદનક્ષીભર્યું નિવેદન કર્યું નથી.
પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે જો રાહુલ ગાંધી વિરુદ્ધ પૂરતા પુરાવા મળે તો તેમને મહત્તમ 2 વર્ષની સજા થઈ શકે છે. જામીન બોન્ડ ભર્યા બાદ જજ યોગેશ યાદવે રાહુલને જામીન આપ્યા હતા. રાહુલ ગાંધીએ તેમના જામીન માટે 25,000 રૂપિયાના બે જામીન બોન્ડ અને વ્યક્તિગત બોન્ડ રજૂ કર્યા હતા.
2018ના આઠ મેના રોજ બેંગલૂરુ ખાતે એક પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો દાવો માંડવામાં આવ્યો હતો. તે સમયે અમિત શાહ ભાજપના અધ્યક્ષ હતા. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાજપ સ્વચ્છ અને પ્રમાણિક રાજનીતિનો દાવો કરે છે, પણ આ પાર્ટીના પ્રમુખ હત્યાના કેસના આરોપી છે.
ભાજપના કાર્યકર વિજય મિશ્રાએ અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી બદલ રાહુલ ગાંધી સામે કેસ દાખલ કર્યો હતો. મિશ્રાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે અમિત શાહ વિરુદ્ધ રાહુલ ગાંધીની ટિપ્પણીથી તેમને ખૂબ જ દુઃખ થયું હતું.
દરમિયાનમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આજે 37મા દિવસમાં પ્રવેશી હતી. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહે તેના માટે કોંગ્રેસે ચાલી રહેલી ભારત જોડો ન્યાય યાત્રાને થોભાવી દીધી હતી. કોર્ટના ચુકાદા બાદ હવે તેમની આ યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે.