નવી દિલ્હી: પંજાબના ખેડૂતોએ દિલ્હી માર્ચની યોજના બે દિવસ માટે સ્થગિત કરી દીધી છે, હરિયાણાની ખનૌરી બોર્ડર પર પોલીસ અને ખેડૂતો વચ્ચેની અથડામણમાં એક ખેડૂતનું મોત થયું છે. ખેડૂત સંગઠન AIKSનો આરોપ છે કે પોલીસ કાર્યવાહી દરમિયાન ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો હતો, જોકે હરિયાણા પોલીસે આ વાતને નકારી કાઢી હતી. હરિયાણા પોલીસ સાથે અથડામણ દરમિયાન પંજાબના બલ્લો ગામના શુભકરણ સિંહનું માથામાં ગંભીર ઈજાને કારણે મોત થયું હતું, ઉપરાંત ખનૌરી અને શંભુ બોર્ડર પર ડઝનબંધ ખેડૂતો ઘાયલ થયા હતા.
અહેવાલો મુજબ પટિયાલાની જે હોસ્પિટલમાં શુભ કરણ સિંહને લઈ જવામાં આવ્યા હતા, ત્યાંના ડૉક્ટરે કહ્યું કે તેને ગોળી વાગી હતી. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણવા મળશે. હોસ્પિટલના વરિષ્ઠ તબીબી અધિકારીએ જણાવ્યું હતું કે, “ખનૌરીથી ત્રણ દર્દીઓ અમારી પાસે આવ્યા હતા, જેમાંથી એકનું મોત થયું હતું, અન્ય બેની હાલત સ્થિર છે. એવું લાગે છે કે તેમને ગોળી વાગી છે, પરંતુ આ વાતની હજુ પુષ્ટિ થઇ નથી.”
હરિયાણા પોલીસે ટ્વિટર પર એક પોસ્ટમાં લખ્યું, “અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આજે કોઈ ખેડૂતનું મૃત્યુ થયું નથી, તે માત્ર અફવા છે. બે પોલીસકર્મી અને એક પ્રદર્શનકારી ઘાયલ છે, જેમની સારવાર ચાલી રહી છે.”
ટ્રેડ યુનિયનોએ પણ વિરોધ કરી રહેલા યુવા ખેડૂતની ઘાતકી હત્યા અને લોકોને ઇજા પહોંચાડવાની સખત નિંદા કરી છે અને 23 ફેબ્રુઆરીને સમગ્ર ભારતમાં કાળો દિવસ તરીકે માનવવા જાહેરાત કરી છે.
ટ્રેડ યુનિયનોએઆહ્વાન કર્યું કે લોકો કાળા બેજ પહેરી ધરણાં કરવા જોઈએ, રેલી કાઢવી જોઈએ, મશાલ/મીણબત્તી પ્રગટાવવી જોઈએ અને દેશના શ્રમિકો અને ખેડૂતો પ્રત્યે કેન્દ્ર સરકારના ક્રૂર વલણ અંગે તેમની પીડા વ્યક્ત કરવી જોઈએ.
નોંધનીય છે કે દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીચાર્જ, પ્લાસ્ટિકની ગોળીઓ અને ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખેડૂતો સરકાર પાસે MSP અને ત્રણ કૃષિ કાયદાને પાછો ખેંચવાના સમયે ખેડૂતોને આપેલા વચનો પૂરા કરવાની માંગ કરી રહ્યા હતા.
Taboola Feed