પુણે નજીક ટેમ્પો-કાર અથડાતાં આઠ જણનાં મોત | મુંબઈ સમાચાર

પુણે નજીક ટેમ્પો-કાર અથડાતાં આઠ જણનાં મોત

મુંબઈ: પુણે નજીક જેજુરી-મોરગાંવ રોડ પર બુધવારે ટેમ્પો સાથે કાર ભટકાતાં આઠ જણનાં મોત થયાં હતાં, જ્યારે બે જણ ઘવાયાં હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ જેજુરી-મોરગાંવ રોડ પર કિર્લોસ્કર કંપની નજીક શ્રીરામ ઢાબા પાસે બુધવારે સાંજના 7.20 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ઢાબા નજીક ટેમ્પો ઊભો રાખવામાં આવ્યો હતો અને તેમાંથી સામાન ઉતારવામાં આવી રહ્યો હતો. એ સમયે જેજુરથી ઇન્દાપુર જતી કારે ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી.

કારે ટેમ્પોને ટક્કર માર્યા બાદ તે અન્ય કાર સાથે ભટકાઇ હતી. આ અકસ્માતમાં ટેમ્પોમાંથી સામાન ઉતારી રહેલા બે જણ, ઢાબા પાસે ઊભેલા ત્રણ જણ તથા કારમાં હાજર ત્રણ જણને ગંભીર ઇજા પહોંચી હતી અને તેમના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં, એમ જેજુરી પોલીસ સ્ટેશનના અધિકારી બનસોડેએ જણાવ્યું હતું.

દરમિયાન અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં ઘવાયેલા બે જણ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button