નવી દિલ્હી: જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફ્રાંસના પેરીસમાં ઓલિમ્પિક(Paris Olympic) શરુ થવા જઈ રહ્યો છે. ભારતીય ખેલાડીઓ પેરીસ ઓલમ્પિકમાં ભારતનો ડંકો વગાડવા તૈયાર છે. ખેલાડીઓ પેરીસ માટે રવાના થાય એ પહેલા આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય ખેલાડીઓ(PM Modi meets india athletes) સાથે વાતચીત કરી હતી, વડા પ્રધાને ઓલમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનની આશા વ્યક્ત કરતા શુભેચ્છા પાઠવી હતી, સાથે સાથે વડા પઢને દેશવાસીઓને અપીલ કરી હતી કે તેઓ ખેલાડીઓને પ્રોત્સાહિત કરે.
વડા પ્રધાન મોદીના એક્સ એકાઉન્ટ પરથી એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે તમામ ખેલાડીઓના અનુભવો વિશે જાણ્યું. આ સમય દરમિયાન ઘણા ખેલાડીઓ ઓનલાઈન પણ જોડાયા હતા.
વડા પ્રધાન મોદીએ કહ્યું, ‘આ (ઓલિમ્પિકમાં ભાગ લેવો) દેશ માટે કંઈક કરવાની તક છે. તમે તમારી તપસ્યાથી આ સ્થાન પર પહોંચ્યા છો. હવે તમારી પાસે દેશને કંઈક આપવાની તક છે. જે રમત ક્ષેત્રે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે તે દેશને ગૌરવ અપાવે છે. મને ખાતરી છે કે તમે આ વખતે બધા જૂના રેકોર્ડ તોડીને આવશો.’
વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું રમતગમત સાથે જોડાયેલા દેશના સ્ટાર્સને મળતો રહેવાનો, નવી-નવી વાતો જાણતો રહેવાનો, તેમના પ્રયાસોને સમજવાનો પ્રયત્ન કરું છું અને સરકાર તરીકે જો અમારે સિસ્ટમમાં કોઈ બદલાવ લાવવાનો હોય, થોડા પ્રયત્નો વધારવાના હોય તો આ દિશામાં કંઈક કામ કરતો રહીશ.
તેમણે કહ્યું, ‘જે લોકો બહાના બનાવે છે તેઓ ક્યારેય પ્રગતિ કરી શકતા નથી. જેઓ બહાના નથી બનાવતા તેઓ હંમેશા જીતે છે! તમે રમવા જઈ રહ્યા છો, તમે તમારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા જઈ રહ્યા છો, પરંતુ યાદ રાખો કે ઓલિમ્પિક એ માત્ર રમવાનું જ નહીં પણ શીખવાનું પણ મોટું ક્ષેત્ર છે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની દાવો સફળ થશે. તેમણે આ મહિને યોજાનારી પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનારા ભારતીય એથ્લેટ્સને પણ આગ્રહ કર્યો કે તેઓ દેશને મહત્વાકાંક્ષી ઓલિમ્પિક ગેમ્સ યોજવાના પ્રયાસોમાં મદદ કરવા માટે ફ્રાન્સની રાજધાનીમાં વ્યવસ્થાઓ પર તેમના મંતવ્યો શેર કરે.
વડા પ્રધાન મોદીએ નીરજ ચોપડા સાથે વિડીયો કોલ મારફતે વાત કરી હતી, વડા પ્રધાને કહ્યું, ‘તારું ચુરમું હજી આવ્યું નથી.’ આના પર નીરજે કહ્યું, ‘અમે ચુરમું લઈને આવીશું. છેલ્લી વખત તે હરિયાણામાંથી બનાવેલ ખાંડ વાળું ચુરમું હતું… દેશી ઘી અને ગોળ વડે બનાવવામાં આવ્યું હતું.’ આના પર મોદીએ કહ્યું, હું તરી માંએ બનાવેલું ચુરમું ખાવા માંગુ છું.
વડા પ્રધાન મોદીએ લોકોને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા હેશટેગ ‘ચીર4ભારત’નો ઉપયોગ કરવા વિનંતી કરી. આ દરમિયાન તેણે કહ્યું, ‘હવે સમગ્ર દેશને આશા છે કે અમારા ખેલાડીઓ ઓલિમ્પિકમાં પણ સારું પ્રદર્શન કરશે. અમે આ ગેમ્સમાં મેડલ જીતીશું અને દેશવાસીઓના દિલ પણ જીતીશું.”
પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે અને ભારત ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં નીરજ ચોપરાના ઐતિહાસિક જેવલીન થ્રોના ગોલ્ડ સહિત સાત મેડલની તેની સંખ્યા સુધારવાની આશા રાખશે. 100 થી વધુ ભારતીય ખેલાડીઓ આ ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. તેમાં 21 શૂટર્સનો સમાવેશ થાય છે.