ટોપ ન્યૂઝનેશનલ

લોકસભામાં વડાપ્રધાન મોદીનું સંબોધન : ભારત લોકશાહીની માતા, બંધારણના નિર્માતાઓને સલામ….

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સંસદને સંબોધિત કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ લોકશાહીની ઉજવણી કરવાનો તહેવાર છે. સાથે જ 75 વર્ષની સિદ્ધિ અસાધારણ રહી છે. આ દિવસોમાં સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને ‘ભારતના બંધારણના 75 વર્ષની ભવ્ય યાત્રા’ની ચર્ચા થઈ રહી છે. પીએમ મોદી આજે આ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંધારણના ઘડવૈયાઓ એ પ્રત્યે ખૂબ જ સભાન હતા અને તેઓ એમ નહોતું માનતા કે ભારતનો જન્મ 1947માં થયો હતો, તેઓ માનતા ન હતા કે 1950થી ભારતમાં લોકશાહી આવી રહી છે. તેઓ ભારતની ધરોહરમાં માનતા હતા અને તેના પ્રત્યે સભાન હતા. ભારતની લોકશાહી અને ભૂતકાળ ઘણો સમૃદ્ધ રહ્યો છે. ભારતનો ભૂતકાળ વિશ્વ માટે પ્રેરણાદાયી રહ્યો છે, તેથી જ ભારત આજે લોકશાહીની માતા તરીકે ઓળખાય છે. આપણે માત્ર સૌથી મોટી લોકશાહી નથી પરંતુ લોકશાહીની માતા છીએ.

બંધારણના ઘડવૈયાઓને કર્યા યાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠના અવસર પર લોકસભામાં પોતાના સંબોધનમાં રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કર્યા. PM એ ભારતની લોકશાહી યાત્રા અને તેની સિદ્ધિઓને અસાધારણ ગણાવી. પીએમ મોદીએ કહ્યું, “રાજર્ષિ ટંડન અને બાબા સાહેબ આંબેડકર જેવી મહાન હસ્તીઓએ ભારતના લોકતાંત્રિક પાયાને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું યોગદાન અમૂલ્ય છે.” 75 વર્ષની લોકતાંત્રિક યાત્રાને દેશના નાગરિકોની એક મહાન ઉપલબ્ધિ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, આ મહાન સિદ્ધિ માટે હું દેશના નાગરિકોને સલામ કરું છું.

મહિલા શક્તિની કરી વાત
જ્યારે G20 સમિટ યોજાઈ હતી, ત્યારે અમે વિશ્વ સમક્ષ મહિલાઓની આગેવાની હેઠળના વિકાસનો વિચાર રજૂ કર્યો હતો. આપણે બધા સાંસદોએ સાથે મળીને સર્વસંમતિથી નારી શક્તિ વંદન બિલ પસાર કર્યું અને ભારતીય લોકશાહીમાં આપણી મહિલા શક્તિની ભાગીદારી સુનિશ્ચિત કરવા પગલાં લીધા. આજે દરેક મોટી યોજનાના કેન્દ્રમાં મહિલાઓ છે. આજે જ્યારે આપણે બંધારણના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે આ એક યોગાનુયોગ છે કે ભારતના રાષ્ટ્રપતિ પદ પર એક આદિવાસી મહિલા છે. આ ગૃહોમાં મહિલા સાંસદોની સંખ્યા પણ વધી રહી છે અને તેમનું યોગદાન પણ વધી રહ્યું છે. જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. આ માટે સૌથી મોટી પ્રેરણા આપણું બંધારણ છે.

વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક સત્તા
આપણો દેશ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહ્યો છે. ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફ મજબૂત પગલાં લઈ રહ્યું છે. 140 કરોડ દેશવાસીઓનો આ સંકલ્પ છે કે જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું ત્યારે વિકસિત ભારતમાં ઉજવીશું. આ માટે સૌથી મહત્વની બાબત છે ભારતની એકતા.

140 કરોડ ભારતીયોનો સંકલ્પ
વધુમાં તેમણે કહ્યું હતું કે એટલું જ નહીં, 140 કરોડ ભારતીયોનો સંકલ્પ છે કે જ્યારે આપણે આઝાદીની શતાબ્દી ઉજવીશું ત્યારે આ દેશને વિકસિત રાખીશું, આ દરેક ભારતીયનું સ્વપ્ન છે. પરંતુ આ સંકલ્પને સિદ્ધ કરવા માટે સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતાની છે, આપણું બંધારણ પણ ભારતની એકતાનો આધાર છે. આપણા બંધારણના નિર્માણમાં મહાન દિગ્ગજ અને સાહિત્યકારો સામેલ હતા. વિવેચકો અને સામાજિક કાર્યકરો પણ હતા, સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ હતું. દરેક વ્યક્તિ ભારતની એકતા પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હતા.

દેશની એકતા અમારી પ્રાથમિકતા
નરેન્દ્ર મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષોમાં અમારી નીતિઓ અને આપણી નિર્ણયની પ્રક્રિયા પર નજર કરીએ તો અમે ભારતની એકતાને મજબૂત કરવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છીએ. કલમ 370 દેશની એકતામાં દીવાલ બની ગઈ હતી, તેથી અમે કલમ 370ને દફનાવી દીધી, કારણ કે દેશની એકતા અમારી પ્રાથમિકતા છે.


Aslo read: લોકસભામાં ‘બંધારણ’ની ચર્ચા પર અખિલેશ યાદવે PDAનો ઉલ્લેખ સાથે કરી મહત્ત્વની વાત; WATCH


ગરીબોને લાભ માટે અમે કર્યું કાર્ય
જો આપણે આ વિશાળ દેશમાં આર્થિક રીતે આગળ વધવું હોય તો ભારતમાં અનુકૂળ વ્યવસ્થાની જરૂર છે અને ત્યાંથી જ GST સંબંધિત ચર્ચા ચાલુ રહી. GST એ અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. વન નેશન વન ટેક્સ પણ તેને આગળ લઈ જઈ રહ્યું છે. જો કોઈ ગરીબ વ્યક્તિ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય છે, તો તેને બીજા રાજ્યમાં રેશન કાર્ડ દ્વારા કંઈપણ મળતું નહીં તે માટે અમે વન નેશન વન રાશન કાર્ડ લાવ્યા. દેશના ગરીબોને જો મફતમાં સારવાર મળે તો તેમની ગરીબી સામે લડવાની શક્તિ વધે છે, પરંતુ જો તેઓ કોઈ કામ માટે બહાર ગયા હોય તો આવા સમયે તેમને સુવિધાઓ ન મળે તો આ સિસ્ટમનો શું ફાયદો, તેથી અમે નક્કી કર્યું કે વન નેશન વન હેલ્થ કાર્ડ હોવું જોઈએ અને અમે આયુષ્માન કાર્ડની સુવિધા આપી.

બંધારણના 50 વર્ષે મને મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય
બંધારણને 25 વર્ષ પૂર્ણ થવા પર દેશનું બંધારણ છીનવી લેવામાં આવ્યું. દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો, નાગરિકોના અધિકારો છીનવાઈ ગયા, પ્રેસની સ્વતંત્રતા છીનવાઈ ગઈ. કોંગ્રેસના કપાળે લાગેલું આ પાપ ક્યારેય ધોવાનું નથી. કારણ કે લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. 50 વર્ષ વીતી ગયા ત્યારે શું ભૂલી ગયા? ત્યાં અટલ બિહાર વાજપેયીની સરકાર હતી અને તે સમયે દેશભરમાં 26 નવેમ્બરે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે બંધારણની ભાવનાને જીવવાનો પ્રયાસ કર્યો. જ્યારે દેશ બંધારણના 50 વર્ષની ઉજવણી કરી રહ્યો હતો અને 50 વર્ષ પૂરા કર્યા ત્યારે મને પણ મુખ્ય પ્રધાન બનવાનું સૌભાગ્ય મળ્યું. આ સમયે બંધારણને 60 વર્ષ પૂર્ણ થયા. ત્યારે અમે નક્કી કર્યું હતું કે અમે ગુજરાતમાં બંધારણના 60 વર્ષની ઉજવણી કરીશું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button