‘जय सियाराम’ કંઇક આવી રીતે PM મોદીએ દેશવાસીઓને પાઠવી દિવાળીની શુભકામના

નવી દિલ્હીઃ દિવાળીના તહેવારની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. શેરીએ શેરીએ દિપો પ્રગટી રહ્યા છે. ઘરો, બજારો શણગારવામાં આવ્યા છે. અનેરી આતશબાજીની ધૂમ સંભળાઇ રહી છે. લોકો હર્ષ ઉલ્લાસથી દિવાળીને વધાવી રહ્યા છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું, દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશના આ દિવ્ય તહેવાર પર, હું દરેકને સ્વસ્થ, સુખી અને ભાગ્યશાળી જીવનની શુભેચ્છા પાઠવું છું. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ દરેકને મળે.
દિવાળીના અવસર પર ભગવાન રામની નગરી અયોધ્યાને શણગારવામાં આવી છે અને અહીં પણ દિવાળીને લઈને ભારે ઉત્સાહનો માહોલ છે. અહીં દિવાળીની પૂર્વસંધ્યાએ શ્રી રામજન્મભૂમિ મંદિરને શણગારવામાં આવ્યું હતું, જેને જોઈને પીએમએ ખુશી વ્યક્ત કરી હતી. અયોધ્યાના દીપોત્સવ સમારોહ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પીએમ મોદીએ જણાવ્યું હતું કે અલૌકિક અયોધ્યા! મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ તેમના ભવ્ય મંદિરમાં સ્થાપિત થયા પછી આ પ્રથમ દિવાળી છે. રામ ભક્તોના 500 વર્ષના અસંખ્ય બલિદાન અને તપસ્યા પછી આ શુભ મુહૂર્ત આવ્યું છે.
Also read: વિધાનસભા ચૂંટણી પહેલા ઝારખંડની શાળામાંથી 1.15 કરોડ રોકડા મળ્યા, ભાજપા નેતાની સંડોવણી
અયોધ્યાના શ્રી રામ લલા મંદિરનો આ અનોખો લુક દરેકને અભિભૂત કરી નાખશે. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણને આ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બનવાનો મોકો મળ્યો છે. મને વિશ્વાસ છે કે ભગવાન શ્રી રામનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે પ્રેરણારૂપ બની રહેશે.’અયોધ્યામાં દીવા પ્રગટાવીને ઉજવવામાં આવતા દીપોત્સવની પણ તેમણે પ્રશંસા કરી હતી