નવી દિલ્હી : કોલકાતાની(Kolkata)આરજી કાર હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર રેપ અને મર્ડર કેસને લઈને નબન્ના અભિયાન અંતર્ગત વિરોધ થઈ રહ્યો છે. જેમાં મંગળવારે પશ્ચિમ બંગાળમાં પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહીના વિરોધમાં ભાજપે આજે આપેલ બંધનું એલાન હિંસક બન્યું છે. ત્યારે હવે આ મુદ્દે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે બહુ થયું. આ સમગ્ર ઘટનાથી હું નિરાશ અને ભયભીત છું.
સમાજે આત્મનિરીક્ષણ કરવાની જરૂર
દેશમાં મહિલાઓ સામેના ગુનાઓની વધતી જતી ઘટનાઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું હતું કે, કોઈ પણ સંસ્કારી સમાજ દીકરીઓ અને બહેનો પર આવા અત્યાચારને સહન ના કરી શકે. કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડોક્ટરો અને નાગરિકો આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા જ્યારે ગુનેગારો અન્ય સ્થળે ફરી રહ્યા હતા. હવે બહુ થયું. સમાજે પ્રમાણિક બનવાની અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. લોકોએ પોતાની જાતને કેટલાક અઘરા પ્રશ્નો પૂછવા પડશે. ઘૃણાસ્પદ માનસિકતા ધરાવતા લોકો મહિલાઓને પોતાનાથી ઊતરતી ગણે છે. તેઓ મહિલાઓને ઓછી શક્તિશાળી, ઓછી સક્ષમ ને ઓછી બુદ્ધિશાળી તરીકે મુલવે છે.
આ પણ વાંચો:કોલકાતા રેપ-મર્ડરની રિયલ સ્ટોરી શું? આરોપીએ દુષ્કર્મ પહેલા અને પછી શું કર્યું?
શું છે કોલકાતા રેપ અને મર્ડર કેસ ?
કોલકાતાની આરજી કાર મેડિકલ હોસ્પિટલના સેમિનાર હોલમાં 9 ઓગસ્ટના રોજ 31 વર્ષીય ટ્રેઈની મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીર પરથી કપડાં ગાયબ હતા. લોહી વહેતું હતું અને શરીર પર ઈજાના નિશાન હતા. આ ઘટના બાદ નિવાસી ડૉક્ટરોમાં આક્રોશ વધ્યો હતો અને તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા.
સુપ્રીમ કોર્ટે આ કેસની સ્વંય નોંધ લીધી
પોલીસે આ કેસમાં આરોપી સંજય રોયની ધરપકડ કરી છે. જ્યારે મામલો ઉગ્ર થયો ત્યારે હાઈકોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી. સુપ્રીમ કોર્ટે આ કેસની સ્વંય નોંધ લીધી હતી અને સીબીઆઈને પ્રોગ્રેસ રિપોર્ટ ફાઈલ કરવા આદેશ આપ્યો હતો. તેની બાદ સીબીઆઈએ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો હતો.
8-9 ઓગસ્ટની રાત્રે શું થયું?
આરજી કાર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ રેપ અને મર્ડર કેસનો આરોપી સંજય રોય 8મી અને 9મી ઓગસ્ટની રાત્રે અલગ-અલગ બહાને કુલ ચાર વખત આરજી હોસ્પિટલની અંદર ગયો હતો. તેમાંથી ત્રણ વખત તે હોસ્પિટલની અંદર ફરીને બહાર આવ્યો હતો. પરંતુ આરોપ છે કે જ્યારે તે ચોથી અને છેલ્લી વખત હોસ્પિટલમાંથી બહાર આવ્યો ત્યારે તેણે ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર કરીને હત્યા કરી નાખી હતી.
યુવતીની પણ છેડતી કરી હતી
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સંજય રોય ઘટનાની રાત્રે હોસ્પિટલની નજીકના રેડ લાઇટ એરિયામાં ગયો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તેણે રસ્તામાં એક યુવતીની પણ છેડતી કરી હતી