Porbandar Drugs: પોરબંદર નજીકથી ડ્રગ્સનો અત્યાર સુધીની સૌથી મોટો જથ્થો પકડાયો, જાણો અમિત શાહે શું કહ્યું
પોરબંદર: ભારતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના સતત પ્રયત્નો થઇ રહ્યા છે. એવામાં પોરબંદરના દરિયા કિનારાથી નજીક ભારતની દરિયાઈ સરહદમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. ઇન્ડિયન નેવીએ ભારતીય કોસ્ટ ગાર્ડ્સ અને ગુજરાત ATS સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 3100 કિલો ડ્રગ્સના જથ્થાને જપ્ત કર્યો છે. આ ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત રૂ. 2000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે, પરંતુ જથ્થાની દૃષ્ટિએ આ અત્યાર સુધીનું સૌથી મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ સંયુક્ત ઓપરેશન દરમિયાન શંકાસ્પદો જહાજમાં ઈરાનથી હશીશ અને અન્ય માદક દ્રવ્યો લઈ જઈ રહ્યા હતા. બાતમીના આધારે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, બે દિવસ દરિયામાં વોચ રાખ્યા બાદ નેવીએ પ્રાદેશિક જળસીમામાં પ્રવેશેલી શંકાસ્પદ બોટને અટકાવી હતી અને તપાસ કરતાં બોટમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું હતું, આ સાથે પાંચ લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે.
એજન્સીઓ તપાસ કરી રહી છે કે ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવામાં આવી રહ્યું હતું અને આ ડ્રગ્સના નેટવર્ક સાથે વધુ કેટલા લોકો જોડાયેલા છે. સંયુક્ત ઓપરેશનમાં જે ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, તેના પર ‘Product of Pakistan’ લખેલું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 2950 કિલો હશિશ, 160 કિલો મેથેમ્ફેટામાઇન, 25 કિલો મોર્ફિનનો સમાવેશ થાય છે.
માહિતી મુજબ પકડાયેલી બોટમાં 5 શંકાસ્પદ પાકિસ્તાનીઓ ડ્રગ્સ સાથે ગુજરાતના પોરબંદર જઈ રહ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય નૌકાદળ, ભારતીય કોસ્ટ ગાર્ડ, એનસીબી અને ગુજરાત એટીએસને ડ્રગ્સના જંગી કન્સાઇનમેન્ટને જપ્ત કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે.
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નશા-મુક્ત ભારતના સ્વપ્ન હેઠળ, આજે આપણી એજન્સીઓએ દેશમાં ડ્રગ્સનો સૌથી મોટો જથ્થો જપ્ત કરવામાં સફળતા હાંસલ કરી છે. NCB, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સનું જંગી કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક સફળતા આપણા દેશને નશામુક્ત બનાવવાની અમારી સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. હું આ પ્રસંગે NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન આપું છું.
બોટની તપાસ કરતાં ડ્રગ્સ સિવાય અન્ય કંઈ શંકાસ્પદ મળ્યું ન હતું, પરંતુ પકડાયેલા પાંચ શકમંદો પાકિસ્તાની હોવાની આશંકા છે અને ભારતીય સુરક્ષા એજન્સીઓ હવે તેમની પાસેથી ડ્રગ્સ ક્યાં અને કોને મોકલવાના હતા તે અંગે વધુ માહિતી એકત્ર કરી રહી છે.
આ પહેલા પણ ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડે અનેક ઓપરેશનમાં ભારતીય દરિયાઈ સરહદમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડી પડ્યું છે. માફિયાઓ દરિયાઈ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે તેમના પ્રયાસો નિષ્ફળ થઇ રહ્યા છે.
Pursuing PM @narendramodi Ji's vision of a drug-free Bharat our agencies today achieved the grand success of making the biggest offshore seizure of drugs in the nation. In a joint operation carried out by the NCB, the Navy, and the Gujarat Police, a gigantic consignment of 3132…
— Amit Shah (@AmitShah) February 28, 2024