
એક્ટ્રેસ પૂનમ પાંડેને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટ્રેસ વીડિયો પોસ્ટ કરીને પોતે જીવતી હોવાનો ખુલાસો કર્યો હતો અને આ બધું એક પબ્લિસિટી સ્ટંટ હોવાનું જણાવ્યું હતું.
એક્ટ્રેસે પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું હતું કે સૌથી પહેલાં તો હું મારા મિત્રો, પરિવારજનો અને ફેન્સ પાસે માફી માંગુ છું. મેં જ મારા નિધનના ખોટા સમાચાર ફેલાવ્યા હતા. પરંતુ આવું કરવાનું મારું ઈન્ટેનશન બિલકુલ પણ ખરાબ કે ખોટું નહોતું, એટલે પ્લીઝ મને માફ કરી દો. તમે મને આટલો પ્રેમ કરો છો એનો મને ગઈકાલે જ તમારા બધાની ચિંતા જોઈને અહેસાસ થયો હતો.
વીડિયોમાં પૂનમ પાંડેએ આવું કરવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે ગઈકાલે અચાનક મારા મૃત્યુના સમાચાર બાદ આપણે બધા જ Cervical Cancer વિશે વાત કરતાં થઈ ગયા હતા અને મારો હેતુ જ આ વિશે લોકોમાં જાગરૂકતા લાવવાનો હતો, જે મને સફળ થતો દેખાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સવારે અચાનક જ પૂનમની પીઆર ટીમ દ્વારા એક્ટ્રેસના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક પોસ્ટ શેર કરીને તેના નિધનની માહિતી શેર કરવામાં આવી હતી અને ત્યારથી જ ફેન્સ અને ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. લોકો તેના નિધનના સમાચાર સાંભળીને તેના પર વિશ્વાસ કરવા માટે તૈયાર જ નહોતા અને આ બધા વચ્ચે આજે સવારે જ એક્ટ્રેસ પૂનમ પાંડેએ પોતે જીવતી હોઈ માત્ર Cervical Cancerની અવરનેસ માટે આ ગતકડું કર્યું હોવાનો ખુલાસો કર્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયોને હજારો લોકો જોઈ ચૂક્યા છે અને એના પર પોતાની પ્રતિક્રિયા આપી ચૂક્યા છે.
એટલું જ નહીં પણ તેના નિધન પર લોકોએ સવાલ પણ ઉપસ્થિત કર્યા હતા કે આ રીતે કોઈ કઈ રીતે અચાનક કેન્સરને કારણે મરી જાય? બે દિવસ પહેલા સુધી તો એક્ટ્રેસ શૂટ કરી રહી હતી. આ સિવાય તે તેના મૃત્યુના 3 દિવસ પહેલા સુધી તો ગોવામાં હતી અને એના વીડિયો પણ એક્ટ્રેસે પોતાના એકાઉન્ટ્સ પરથી શેર કર્યા હતા.