પૂર્વ ન્યાયાધીશ ગંગોપાધ્યાયના વિવાદાસ્પદ નિવેદન મુદ્દે બંગાળમાં રાજકીય વિવાદ, TMC પહોંચી EC પાસે
કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને પૂર્વ હાઈકોર્ટના ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય વિરુદ્ધ બંગાળના સીએમ મમતા બેનરજી વિરુદ્ધ જાહેરમાં “અવિશ્વસનીય રીતે અપમાનજનક, અયોગ્ય અને અન્યાયપૂર્ણ” ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે.
પૂર્વ મિદનાપુરના ચૈતન્યપુરમાં એક ચૂંટણી રેલીમાં અભિજીત ગંગોપાધ્યાયે સીએમ મમતા બેનરજી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ‘તૃણમૂલ કોંગ્રેસ કહે છે કે રેખા પાત્રા (ભાજપના સંદેશખાલી ઉમેદવાર)ને 2,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યા છે. મમતા બેનરજી, શું તમારી કિંમત 10 લાખ રૂપિયા છે? આ એટલા માટે છે કારણ કે તમે તમારો મેકઅપ પ્રખ્યાત બ્યુટિશિયન પાસે કરાવો છો. શું રેખા પાત્રાને 2,000 રૂપિયામાં ખરીદી શકાય છે, કારણ કે તે લોકોના ઘરોમાં કામ કરે છે. એક સ્ત્રી બીજી સ્ત્રીનું આટલું અપમાન કેવી રીતે કરી શકે?
તૃણમુલ કૉંગ્રેસે અભિજીત ગંગોપાધ્યાના આ નિવેદન પર નિશાન સાધ્યું છે અને તેને વાહિયાત ટિપ્પણી ગણાવી હતી. ટીએમસીએ આવા નિવેદન વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને તેમની સામે એક્શન લેવાની માગ કરી હતી. ટીએમસીએ જણાવ્યું હતું કે આવા ઉમેદવારની ઉમેદવારી રદ થવી જોઈએ. ગંગોપાધ્યાય પ. બંગાળની તમલુક સંસદીય બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યાં 25 મેના રોજ મતદાન થવાનું છે.
ટીએમસી નેતા શશિ પંજાએ કહ્યું, ‘તેમણે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તે ખૂબ જ અપમાનજનક છે, તે ભૂતપૂર્વ ન્યાયાધીશ છે, તે કાયદાને સમજે છે. ભાજપમાં વ્યક્તિ જેટલો ભાષાનો દુરુપયોગ કરે છે તેટલો તે ભાજપની સીડી ઉપર જાય છે અને પ્રમોશન મેળવે છે. ભાજપમાં કોઈ માફી માંગતું નથી, આ અંગે તેમનો કોઈ વાંક નથી. આ નિવેદન તેમના પાત્રને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન એવી માહિતી મળી છે કે ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર અભિજીત ગંગોપાધ્યાયને કારણદર્શક નોટિસ પાઠવી છે અને આ મામલે તેમની પાસેથી પાસેથી 20 મે સુધીમાં જવાબ માંગ્યો છે.