અમદાવાદમાં આગામી બે દિવસ કોંગ્રેસનું ‘મહાઅધિવેશન’
આવતીકાલથી ગુજરાતમાં રાજકીય ગરમાવો વધશે, ભાજપના નેતાઓની નજર અધિવેશન પર રહેશે

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહેલા કૉંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય અધિવેશન માટે ગુજરાતની પસંદગી કરી છે. આવતીકાલથી બે દિવસ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિતના કૉંગ્રેસના રાષ્ટ્રીય સ્તરના નેતાઓ ગુજરાતમાં ધામા નાખશે ત્યારે સ્વાભાવિક છે કે ભાજપની નેતાગિરીની નજર પર તેમના પર રહેશે.
આજથી જ મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર, કે. સી. વેણુગોપાલ અને અશોક ગેહલોત સહિતના 90 ટકા CWCના સભ્યો અમદાવાદ આવી રહ્યા છે. બે દિવસ દરમિયાન યોજાનારા રાષ્ટ્રીય અધિવેશનના કાર્યક્રમોની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટને બદલે સાબરમતી તટ એવો શબ્દપ્રયોગ કૉંગ્રેસ કરી રહી છે. અમુક કાર્યક્રમો અહીં ત્યારે અમુક કાર્યક્રમો શાહબાગ સરદાર સ્મારક ખાતે યોજવામાં આવ્યા છે.
આજે 7મી એપ્રિલ 10.30 વાગ્યે કે. સી. વેણુગોપાલ, સાંજે 6 વાગ્યે મલ્લિકાર્જુન ખડગે, શશી થરૂર અને રાત્રે અશોક ગેહલોત, જયરામ રમેશ તથા મોટાભાગ મહત્તમ CWCના સભ્યો અમદાવાદ આવશે. જ્યારે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી 8મી એપ્રિલની સવારે અમદાવાદ આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Gujarat માં 64 વર્ષ બાદ 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે
35 હોટલમાં કરવામાં આવી વ્યવસ્થા
દેશભરમાંથી રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા માટે આવનારા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામ નેતાઓના રહેવા માટે હોટલ અને તેઓને અધિવેશન સ્થળ તેમજ હોટલ પર લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામના રોકાણ માટે શહેરની અલગ-અલગ 35 હોટલમાં 1800થી વધુ રૂમો બુક કરાયા છે. દરેક હોટલ પર એક ડેસ્ક રહેશે. VVIP ચાર્ટર્ડમાં આવશે તો પત્રકારો અને સી.ડબલ્યુ. સી.ના બીજા સભ્યો ફ્લાઇટમાં આવશે.
રાહુલ ગાંધી સહિતના નેતાઓના ભાષણ પર સૌની નજર
દેશમાં વકફ બોર્ડ સહિતના કાયદાઓ મામલે સત્તાપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે સખત સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સાથે બિહારની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપનું સતત 30 વર્ષનું શાસન છે અને કૉંગ્રેસ કેન્દ્ર રાજ્યોમાં સત્તા માટે સંઘર્ષ કરી રહી છે, તેવામાં આવતીકાલથી કૉંગ્રેસના નેતાઓ અને ખાસ કરીને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી શું કહે છે તેના પર સૌની નજર રહેશે.
આ સાથે ગુજરાતની મુલાકાત સમયે રાહુલ ગાંધીએ પોતાના જ પક્ષના નેતાઓને ઝાટક્યા હતા અને જેઓ પક્ષમાં રહી પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમને તગેડી મૂકવાની વાત કહી હતી. ગુજરાતમાં પક્ષ ઘમો જ નબળો પડી ગયો છે અને જૂથબાજી ખૂબ જ વધારે છે ત્યારે આ અધિવેશન દરમિયાન પક્ષમાં કંઈક નવાજૂની થાય તો પણ નવાઈ નહી.