
નવી દિલ્હીઃતાજેતરની વિધાન સભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જંગી બહુમતીથી જીત મળ્યા બાદ ભાજપ હવે વધુ આક્રમક બન્યું છે. પાંચ રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં ચાર રાજ્યમાં કોંગ્રેસની કારમી હાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ વિરોધી શક્તિઓ પર જોરદાર પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે કૉંગ્રેસ તેના ઘમંડ, જુઠ્ઠાણા, નિરાશાવાદ અને અજ્ઞાનતામાં જ ખુશ છે. કોંગ્રેસના કથિત ‘વિભાજનકારી એજન્ડા’ વિશે ચેતવણી આપતાં તેમણે કહ્યું હતું કે ’70 વર્ષ જૂની આદત આટલી આસાનીથી દૂર થઈ શકે તેમ નથી. ભવિષ્યમાં પણ જો તેમના વિચારો આવા જ રહેશે તો તેમણે વધુ નુકસાન જોવા માટે તૈયાર રહેવું પડશે.’
નવેમ્બર મહિનામા ંઉત્તર ભારતના બિન્દી બેલ્ટના રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી યોજાઈ હતી. આ રાજ્યોમાં કોંગ્રેસની હાર થઇ છે, જ્યારે દક્ષિણ ભારતમાં તેલંગાણા કોંગ્રેસ માટે એકમાત્ર આશ્વાસન બનીને આવ્યું છે. જ્યાં કોંગ્રેસે કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) પાસેથી સત્તા છીનવી લેવામાં સફળતા મેળવી છે.
જોકે, સોમવારે પીએમ મોદીએ વિપક્ષને સંસદમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી હાર પર નિરાશ ન થવા અને “નકારાત્મકતા” છોડીને આગળ વધવા કહ્યું હતું, તેનાથી લોકોનો તેમના પ્રત્યેનો અભિગમ બદલાઈ શકે છે. ચૂંટણીના પરિણામો એ વિપક્ષમાં બેઠેલા મિત્રો માટે સોનેરી તક સમાન છે. હાલના સંસદના શિયાળુ સત્રમાં હારનો ગુસ્સો બહાર કાઢવાનું આયોજન કરવાને બદલે જો તેઓ હારમાંથી કંઇક શીખે અને છેલ્લા 9 વર્ષના નકારાત્મક વલણને છોડીને આ સત્રમાં સકારાત્મકતા સાથે આગળ વધે તો દેશનો લોકોનો પણ તેમના પ્રત્યેનો અભિગમ બદલાઇ જશે. દેશે નકારાત્મકતાને ફગાવી દીધી છે. ચૂંટણીના પરિણામો ઘણા જ ઉત્સાહવર્ધક છે.