BRICS સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન મોદી રશિયા જવા રવાના, આ નેતાઓ સાથે કરશે બેઠક

નવી દિલ્હી: રશિયા કઝાન શહેરમાં યોજાનાર બે દિવસીય બ્રિક્સ સમિટમાં ભાગ લેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી રવાના થઇ ગયા છે. બ્રિક્સ સંમેલનની સાથે સાથે વડા પ્રધાન મોદી રશિયામાં કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
બ્રિક્સ સંમેલન આજથી એટલે કે મંગળવારથી શરૂ થઈ રહ્યું છે. રશિયાની અધ્યક્ષતામાં બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના કઝાન શહેરમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે. કઝાન પહોંચ્યાના માત્ર બે કલાક બાદ પુતિન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે, પાંચ મહિનામાં બંને નેતાઓની આ બીજી મુલાકાત હશે.
જુલાઈ 2024 માં, વડા પ્રધાન મોદી રશિયાની સત્તાવાર મુલાકાતે હતા, તેમણે પુતિન સાથે ભારત-રશિયા બેઠક કરી હતી. આ બેઠકમાં દ્વિપક્ષીય મુદ્દાઓની સાથે યુક્રેન અને અન્ય વૈશ્વિક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે વડા પ્રધાન મોદીએ પુતિનને કહ્યું હતું કે સમસ્યાઓનો ઉકેલ યુદ્ધથી નહીં આવે. મોદીએ પુતિનને રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટે ભારતના પ્રયાસોની ખાતરી પણ આપી હતી.
રશિયા મુલાકાતના થોડા દિવસો પછી, વડા પ્રધાન મોદીએ યુક્રેનની મુલાકાત લીધી અને તેના રાષ્ટ્રપતિ વોલોડોમિર ઝેલેન્સકી સાથે મુલાકાત કરી. બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે કઝાનમાં પહોંચેલા કેટલાક અન્ય દેશોના વડાઓ સાથે પણ વડા પ્રધાન મોદી બેઠક કરે એવી શક્યતા છે. તેઓ તુર્કીના રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.