Foreign Visit: PM Modi પહેલી વખત આ દેશની મુલાકાતે જશે
પાંચ વર્ષ પછી નરેન્દ્ર મોદી સોમવારે રશિયાની કરશે વિઝિટ
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પછી પહેલી વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદી રશિયા અને ઓસ્ટ્રિયાની મુલાકાતે જશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠમી જુલાઈના સોમવારે પહેલા રશિયા જશે, ત્યાર બાદ દસમી જુલાઈના સ્વદેશ પાછા ફરશે, એમ વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું.
પીએમ તરીકે નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પદભાર સંભાળ્યા પછી પહેલી વખત વિદેશ પ્રવાસે જશે. પાંચ વર્ષ પછી મોદી રશિયાની મુલાકાત લેશે, જ્યારે પહેલી વખત ઓસ્ટ્રિયા જશે. આઠમી અને નવમી જુલાઈના 22મી વાર્ષિક શિખર સંમેલન માટે રશિયાના રાષ્ટ્રપતિના આમંત્રણને લઈ મોસ્કોની સત્તાવાર મુલાકાત લેશે. અત્યાર સુધીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી આઠ જુલાઈના બપોર સુધીમાં મોસ્કો પહોંચવાનો કાર્યક્રમ છે. ભારત અને રશિયાની રાજકીય મુલાકાતને કારણે ચીન સહિત મહાસત્તાઓના પેટમાં તેલ રેડાઈ શકે છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે દિવસે મોસ્કો પહોંચશે, જ્યારે એ જ દિવસે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન વડા પ્રધાન મોદીને ડિનર કરશે. બીજા દિવસે વડા પ્રધાન રશિયામાં હાજર ભારતીય સમુદાયના લોકોની સાથે ચર્ચા-વિચારણાનું સત્ર રહેશે. આ જ મુલાકાતના ભાગરુપે વડા પ્રધાન ક્રેમલિનમાં સૈનિકની સમાધિ પર પુષ્પાંજલિ અર્પિત કરશે, ત્યાર બાદ વડા પ્રધાન મોદી મોસ્કોના મ્યુઝિયમની મુલાકાત લેશે. આ મુલાકાત પછી બંને નેતાઓ વચ્ચે મહત્ત્વની બેઠકનું આયોજન કરવામાં આવશે, ત્યાર બાદ વડા પ્રધાન અને રશિયાના રાષ્ટ્રપતિના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ સાથે બેઠક યોજવામાં આવશે.
રશિયાની મુલાકાતમાં યુક્રેન અને ચીનના મુદ્દે ચર્ચા થશે કે નહીં એના સવાલના જવાબમાં વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે બંને દેશ માટે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ એમ બંને દેશના નેતાઓ તરફથી ઉઠાવવામાં આવ્યા છે.
રશિયા સિવાય વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે, જ્યાં ઓસ્ટ્રિયાના ચાન્સલર કાર્લ નેહમરના નિમંત્રણને લઈ 10મી જુલાઈના ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે. અહીં એ જણાવવાનું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત ઓસ્ટ્રિયાની મુલાકાત લેશે. 40 વર્ષ પહેલા ભારતના વડા પ્રધાને ઓસ્ટ્રિયાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ પહેલી વાર મોદી જશે. ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેકઝાન્ડર વાન ડેર બેલન સાથે પણ મુલાકાત કરશે અને ઓસ્ટ્રિયાના પ્રતિનિધિમંડળ સાથે વેપારી સંબંધો મુદ્દે ચર્ચા કરવામાં આવશે.