હૈદરાબાદઃ પીએમ મોદી તેલંગાણાના 3 દિવસના પ્રવાસ પર છે. આ દરમિયાન પીએમ મોદી ગઇ કાલે મોડી રાત્રે આંધ્રપ્રદેશના તિરુપતિ પહોંચ્યા હતા. PM મોદી સાંજે લગભગ 8 વાગ્યે તિરુપતિ નજીક રેનિંગુટા એરપોર્ટ પર ઉતર્યા હતા. રાજ્યપાલ એસ. અબ્દુલ નઝીર અને મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડીની સાથે અનેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તિરુપતિ બાલાજી ધામ પહોંચ્યા હતા જ્યાં મંદિરમાં વિશેષ પૂજા કર્યા બાદ તેમણે 140 કરોડ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.
પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે તેમણે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. આ પછી પીએમ મોદી તેલંગાણામાં ચૂંટણી રેલીમાં હાજરી આપશે અને જનતાને સંબોધશે. પીએમ મહેબુબાબાદમાં બપોરે 12 વાગ્યે અને કરીમનગરમાં લગભગ 2 વાગ્યે જનસભાને સંબોધિત કરશે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે હૈદરાબાદમાં મેગા રોડ શો પણ કરશે.
જ્યારે પીએમ મોદી રોડ માર્ગે તિરુમાલા પહોંચ્યા ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા હતા અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ રસ્તાના કિનારે ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું હતું. તેમણે હાથ હલાવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
તેલંગાણાની 119 વિધાનસભા સીટો પર 30 નવેમ્બરે મતદાન થશે, જેના પરિણામો 3 ડિસેમ્બરે જાણવા મળશે. તેલંગાણા પહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ ચૂક્યું છે.