PM Modi: વડા પ્રધાન મોદીએ યુએસની દિગ્ગજ ટેક કંપનીઓના સીઈઓ સાથે મીટિંગ કરી
ન્યુ યોર્ક: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલ યુએસની મુલાકાતે (PM Modi in USA) છે, જ્યાં તેમણે ક્વાડ સમિટ(Quad Summit)માં ભાગ લીધો હતો અને કેટલાક દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરી હતી. આ ઉપરાંત તેઓ અમેરિકન ટેક કંપનીઓના સીઈઓ સાથે રાઉન્ડ ટેબલ મીટિંગમાં ભાગ લીધો હતો, જ્યાં તેમણે ભારતમાં ઇન્ડસ્ટ્રીના વિકાસની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપવા માટેની અભિયાનની ચર્ચા કરી હતી.
વડા પ્રધાન મોદીની ત્રણ દિવસીય યુએસ મુલાકાતના બીજા તબક્કા દરમિયાન રવિવારે લોટ્ટે ન્યૂયોર્ક પેલેસ હોટેલમાં આ બેઠક થઈ હતી. અહેવાલ મુજબ, તેમાં AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર્સ જેવી અદ્યતન ટેકનોલોજી પર કામ કરતી 15 અગ્રણી અમેરિકન કંપનીઓના સીઈઓએ હાજરી આપી હતી.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું – ન્યૂયોર્કમાં ટેક્નોલોજી કંપનીઓ સીઈઓ સાથે ફળદાયી રાઉન્ડ ટેબલ મીટિંગ થઈ, જેમાં ટેક, ઈનોવેશન અને અન્ય બાબતો સાથે સંબંધિત પાસાઓ પર ચર્ચા થઈ. આ ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ પર પણ પ્રકાશ પાડ્યો હતો. ભારત પ્રત્યે અપાર આશાવાદ જોઈને હું ખુશ છું.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત, કોન્ફરન્સમાં Google CEO સુંદર પિચાઈ, Adobe CEO શાંતનુ નારાયણ, Accenture CEO જુલી સ્વીટ અને NVIDIA CEO જેન્સન હુઆંગ સહિત ટોચની યુએસ ટેક કંપનીઓના CEO હાજર રહ્યા હતા. રાઉન્ડ ટેબલમાં ભાગ લેનારા અન્ય લોકોમાં AMD CEO લિસા સુ , HP Inc CEO એનરિક લોરેન્સ, IBM CEO અરવિંદ કૃષ્ણા, મોડર્નાના ચેરમેન ડૉ. નૌબર અફયાન અને વેરિઝોનના સીઇઓ હંસ વેસ્ટબર્ગનો સમાવેશ થાય છે.
મોદીએ જણાવ્યું હતું કે સરકાર સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ભારતની BIO E3 (બાયોટેક્નોલોજી ફોર એન્વાયરમેન્ટ, ઈકોનોમી એન્ડ એમ્પ્લોયમેન્ટ)ની નીતિ વિશે પણ વાત કરી હતી અને દેશને બાયોટેક્નોલોજી સુપર પાવર તરીકે વિકસાવવા માટે અને AI વિષય પર જણાવ્યું હતું કે ભારતની નીતિ એઆઈને પ્રોત્સાહન આપવાની છે, જે તેના નૈતિક અને જવાબદાર ઉપયોગ પર આધારિત છે.
CEOએ ભારતમાં રોકાણ અને સહયોગમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો અને સંમત થયા હતા કે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ એ દેશમાં નવી ટેક્નોલોજીને ઇનોવેશન લાવવા અને વિકસાવવાની એક સિનર્જિસ્ટિક તક હશે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર સમિટ દરમિયાન વડા પ્રદાન મોદીએ કહ્યું હતું કે ટેક્નોલોજી સહયોગ અને ઇનિશિએટિવ ઓન ક્રિટિકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) જેવા પ્રયાસો ભારત-યુએસ વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના મૂળમાં છે.
વડા પ્રધાને જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટેના તમામ પ્રયાસો કરશે અને કંપનીઓને સહયોગ અને ઇનોવેશન માટે ભારતની વિકાસ ગાથાનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા.