Sharad Pawar Birthday: વડા પ્રધાન મોદીએ શરદ પવારને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
મુંબઈ: આજે મંગળવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વરિષ્ઠ નેતા શરદ પવારનો 84મો જન્મદિવસ છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વડા પ્રધાને સોશિયલ મીડિયા X પર લખ્યું, “શરદ પવારને તેમના જન્મદિવસ પર શુભેચ્છાઓ. ભગવાન તેમને લાંબુ અને સ્વસ્થ જીવન આપે.”
દેશના સૌથી વરિષ્ઠ અને સતત કાર્યરત રહેતા નેતાઓમાંના એક શરદ પવારનો જન્મ 12 ડિસેમ્બર 1940ના રોજ થયો હતો. તેમણે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન તરીકે સેવા આપી છે અને રાજકીય શત્રુતા હોવા છતાં તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા માટે જાણીતા છે.
જન્મ દિવસના એક દિવસ પહેલા સોમવારે તેમણે ખેડૂતો સાથે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ચાંદવાડમાં રસ્તા રોકો આંદોલનમાં ભાગ લીધો હતો અને કેન્દ્ર સરકારના ડુંગળી પર પ્રતિબંધના નિર્ણય સામે અવાજ ઉઠાવ્યો હતો અને નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી.
તેઓ 27 વર્ષની યુવા વયે પ્રથમ વખત વિધાન સભ્ય બન્યા હતા. તેઓ ચાર વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે અને સંરક્ષણ પ્રધાન તરીકે પણ સેવા આપી છે. તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની કેબિનેટમાં કૃષિ પ્રધાન હતા. કોંગ્રેસ છોડ્યા બાદ શરદ પવારે વર્ષ 1999 એનસીપીની સ્થાપના કરી હતી.
તેમણે, તારિક અનવર અને પીએ સંગમાએ સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવાના મુદ્દાને બાબતે કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં બળવો કર્યો, જેના કારણે પક્ષમાં ભાગલા પડ્યા. મહારાષ્ટ્ર, ગોવા, મેઘાલય અને મણિપુર રાજ્યોમાં તેની હાજરી સ્થાપિત કર્યા પછી એનસીપીએ ટૂંક સમયમાં જ રાષ્ટ્રીય પક્ષ તરીકે ઓળખ મેળવી. જો કે, આ વર્ષે NCPએ આ ટેગ ગુમાવ્યો.
રાજકીય વર્તુળોમાં તેમને ‘ચાણક્ય’ કહેવામાં આવે છે. તેમણે કોંગ્રેસ, શિવસેના અને એનસીપી વચ્ચે ગઠબંધન મહા વિકાસ અઘાડીની રચનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.