અયોધ્યા: દેશ ભરમાં રામ નવમી(Ram Navami)નો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે અયોધ્યાના મંદિર(Ayodhya Ram temple)માં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે પહેલી રામ નવમી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Narendra Modi)એ એક્સ પર પોસ્ટ કરી દેશવાસીઓને રામનવમીની શુભકામનાઓ પાઠવી છે. ગત 22 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંદિરમાં ભગવાન રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, આપણા રામ લલ્લા અયોધ્યાના ભવ્ય અને દિવ્ય રામ મંદિરમાં બિરાજમાન થયા બાદ આજે આ પહેલી રામનવમી છે. રામ નવમીના આ તહેવારમાં આજે અયોધ્યામાં અનેરો આનંદ છે. 5 સદી રાહ જોયા બાદ આજે અયોધ્યામાં આ રીતે રામનવમી ઉજવવાનું સૌભાગ્ય મળ્યું છે. આ દેશવાસીઓની આટલા વર્ષોની કઠોર તપસ્યા, ત્યાગ અને બલિદાનનું પરિણામ છે.
વડા પ્રધાને વધુ એક પોસ્ટમાં લખ્યું કે, ભગવાન શ્રી રામ ભારતીય લોકોના રોમે રોમમાં વસે છે, તેમના અંતર આત્મામાં જડિત છે… રામ મંદિરમાં પ્રથમ રામ નવમી ઉજવવાનો અવસર અસંખ્ય રામ ભક્તો અને સંતો અને મહાત્માઓને પણ શ્રદ્ધાંજલિ આપવાનો અવસર છે, જેમણે પોતાનું સમગ્ર જીવન રામ મંદિરના નિર્માણ માટે સમર્પિત કર્યું.
વડા પ્રધાને અન્ય એક પોસ્ટમાં લખ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામનું જીવન અને તેમના આદર્શો વિકસિત ભારતના નિર્માણ માટે મજબૂત આધાર બનશે.
રામનવમીના અવસર પર અયોધ્યા ધામમાં 9 એપ્રિલથી રામનવમી મેળો શરૂ થયો છે, જે રામનવમીના દિવસ સુધી એટલે કે 17 એપ્રિલ સુધી ચાલશે. આ દરમિયાન કુલ 25 લાખ શ્રદ્ધાળુઓ આવે તેવી શક્યતા છે.