નવી દિલ્હીઃ દિલ્હીમાં આવતા મહિને વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી એટલે કે 3 જાન્યુઆરીથી ભાજપનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. આ દરમિયાન તેમણે વર્ષ 2025ને નવી સંભાવનાઓનું વર્ષ ગણાવ્યું. પીએમ મોદીએ કહ્યું હતું કે, “વર્ષ 2025 ભારતના વિકાસ માટે ઘણી નવી સંભાવનાઓ લઈને આવી રહ્યું છે. વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનવા તરફની અમારી યાત્રા આ વર્ષે વેગવંતી બનવા જઈ રહી છે. આજે ભારત અને વિશ્વમાં રાજકીય અને આર્થિક સ્થિરતા છે. 2025માં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનશે.
પ્રચાર સભામાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે હું પણ મારા માટે શીશ મહલ બનાવી શક્યો હોત, પણ મારા માટે મારું સપનું છે કે દરેક દેશવાસીઓને ઘર મળે. આજે નહીં તો કાલે દેશવાસીઓને તેમના ઘર મળશે. દેશ સારી રીતે જાણે છએ કે મોદીએ ક્યારેય પોતાના માટે ઘર નથી બનાવ્યું, પણ છેલ્લા 10 વર્ષમાં ચાર કરોડથી વધુ લોકોના સપના પૂરા કર્યા છે.
જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે વિકસિત ભારત બનાવવામાં આપણા શહેરોની ભૂમિકા અગત્યની છે. લોકો દૂર દૂરથી આંખોમાં સપના લઇને શહેરોમાં આવે છે અને આ સપના સાકાર કરવા માટે ઇમાનદારીથી જીવન વિતાવે છે. ભાજપ સરકાર શહેરમાં રહેતા દરેક પરિવારને ક્વોલિટી લાઇફ પ્રધાન કરવામાં વ્યસ્ત છે.
દેશની શિક્ષણ પ્રણાલી અંગે બોલતા તેમણે સીબીએસઇ ધોરણની પ્રશંસા કરી હતી. ઉચ્ચ શિક્ષણના મામલે દિલ્હી યુનિવર્સિટીની પ્રશંસા કરતા તેમણે જણાવ્યું હતું કે તેની પ્રતિષ્ઠા પણ મજબૂત થઇ રહી છે. તેમને પણ ડીયુના વિદ્યાર્થી બનવાનું સૌભાગ્ય મળ્યું છે. ડીયુમાં નવા કેમ્પસનો શિલાન્યાસ થયો છે, તેમાં સેંકડો નવા વિદ્યાર્થીઓને ડીયુ કેમ્પસમાં અભ્યાસની તક મળશે. દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થા માટે કેન્દ્રના પ્રયાસો થઇ રહ્યા છે, જ્યારે અહીંની રાજ્ય સરકારે છેલ્લા દસ વર્ષથી શાળા શિક્ષણ વ્યવસ્થાને ઘણું નુક્સાન પહોંચાડ્યું છે.
આ પણ વાંચો…કાશ્મીરનું નામ બદલવાની તૈયારીમાં સરકાર, અમિત શાહે જણાવ્યું નવું નામ
આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું હતું કે દિલ્હી દેશની રાજધાની છે, પણ દિલ્હી છેલ્લા દસ વર્ષથી અપ્રમાણિક લોકોથી ઘેરાયેલું છે. કેટલાક કટ્ટર અપ્રમાણિક લોકોએ દિલ્હીને આફતમાં ધકેલી દીધું છે. દારૂની દુકાનોમાં કૌભાંડો, બાળકોની શાળાઓમાં કૌભાંડો, ગરીબોની સારવારમાં કૌભાંડો, પ્રદૂષણ સામે લડવાના નામે કૌભાંડો, ભરતીમાં કૌભાંડો, સામાન્ય થઇ ગયા છે. AAP દિલ્હીના વિકાસની વાતો કરતી હતી હવે તે આફત બનીને દિલ્હી પર પડી છે.