PM Modi in Gujarat: ‘અમૂલને દુનિયાની સૌથી મોટી ડેરી બનાવીશું’ વડા પ્રધાને ગુજરાતના પશુપાલકોને આપી ગેરંટી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે, આ દરમિયાન તેઓ ગુજરાતને અનેકવિધ વિકાસકર્યોની ભેટ આપશે. વડા પ્રધાન મોડી આજે સવારે અમદાવાદના એરપોર્ટ પહોંચ્યા હતાં, જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું, સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હજાર રહ્યા હતા. એરપોર્ટથી વડા પ્રધાન સીધા મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(GCMMF)ની સુવર્ણ જયંતી ઉજવણી કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ ભાગોમાંથી હજારો ખેડૂતો ભાગ લઈ રહ્યા છે.
વડાપ્રધા મોદીએ Amul ડેરીના 1200 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદી બાદ અમૂલ શ્રેષ્ઠ બ્રાન્ડ બની છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તિકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ મોટા સંકલ્પનું ઉદાહરણ છે.
વડાપ્રધાને ગેરંટી આપતા કહ્યું હતું કે અમૂલ આજે દુનિયાની આઠમી સૌથી મોટી ડેરી છે. પરંતુ અમે અમૂલને દુવિશ્વની સૌથી મોટી ડેરી બનાવીશું, આ મોદીની ગેરન્ટી છે.
વડા પ્રધાને જણાવ્યું કે દુનિયાના 50થી વધુ દેશોમાં અમૂલના ઉત્પાદનોની નિકાસ થાય છે. અમૂલ સહકાર અને સંગઠનની શક્તિનું પ્રતિક છે. અમૂલનો પાયો સરદાર સાહેબના માર્ગદર્શનમાં નખાયો હતો. અમૂલ એટલે સરકાર અને સહકારનો તાલમેલ છે.
વડાપ્રધાને કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બન્યો છે. ડેરી સેક્ટરમાં 8 કરોડ લોકો સીધી રીતે જોડાયેલા છે. છેલ્લા 10 વર્ષમાં પ્રતિ વ્યક્તિ દૂધની ઉપલબ્ધતા 40 ટકા વધી છે. તેમણે કહ્યું કે ડેરી સેક્ટરની કર્તાધર્તા આપણી માતા, બહેનો, દીકરીઓ છે. દેશની મહિલા શક્તિ ડેરી સેક્ટરની કરોડરજ્જુ છે. મહિલા શક્તિના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. અમૂલ મહિલા શક્તિના નેતૃત્વની પ્રેરણા છે.
વડાપ્રધાન મોદીએ લોકોને સંબોધતા કહ્યું હતું કે કેન્દ્ર સરકાર મહિલાઓની આર્થિક શક્તિ વધારવા પ્રયત્નશીલ છે. કેન્દ્ર સરકારની યોજનાઓની 70 ટકા લાભાર્થી મહિલાઓ છે. પીએમ આવાસ હેઠળ અપાયેલા મોટાભાગના ઘર મહિલાઓના નામે છે.
વડા પ્રધાને કહ્યું કે ગામના નાના ખેડૂતોને આધુનિક ટેક્નોલોજી સાથે જોડવાનો પ્રયાસ છે. કેન્દ્ર સરકારનું ધ્યાન અન્નદાતાને ઉર્જાદાતા બનાવવા પર છે. ખેડૂતોને સોલાર પમ્પ આપવાની યોજના છે. પશુપાલકો માટે ગોવર્ધન યોજના શરૂ કરવામાં આવી છે. 2 લાખથી વધુ ગામોમાં સહકારી સમિતિઓનું નિર્માણ કરાયું છે.
આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સંબોધતા કહ્યું કે સહકારથી સમૃદ્ધિ થકી રામરાજ્યના પ્રણેતા વડાપ્રધાન મોદી છે. સહકાર ક્ષેત્રની સમાજ પર પ્રભાવશાળી અસર રહી છે. મોદી-શાહની જોડીએ સહકારથી સમૃદ્ધિનું સૂત્ર આપ્યુ છે. અમૂલ વિશ્વનું સૌથી મોટો સહકારી પરિવાર બન્યો છે.
તેમણે કહ્યું હતું કે પશુપાલનના વ્યવસાયમાં મહિલાઓ મહત્વનો ફાળો આપી રહી છે જેના કારણે મહિલાઓ સ્વનિર્ભર બની રહી છે. આપણી ડેરીઓએ ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 9 જુલાઈ 1973ના રોજ ડૉ. વર્ગીસ કુરિયનના નેતૃત્વ હેઠળ છ દૂધ સંઘ, GCMMFની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આ ફેડરેશન 18 દૂધ સંઘો 18,600 ગામોના 36 લાખ ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરે છે. 50 થી વધુ દેશોમાં દૂધ ઉત્પાદનોની નિકાસ કરે છે. અમૂલની દેશભરમાં 86 શાખાઓ છે. અમૂલ પાસે દેશભરમાં 15 હજાર વિતરકો અને 10 લાખ રિટેલર્સ નેટવર્ક છે. ગયા નાણાકીય વર્ષમાં ફેડરેશનનું ટર્નઓવર 72,000 કરોડ રૂપિયા હતું. હાલમાં અમૂલ વિશ્વની 8મી સૌથી મોટી ડેરી છે.