નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમની રેલીએ પહોંચેલી એ બાળકીને પત્ર લખીને પોતે આપેલું વચન પૂરું કર્યું છે. વાત જાણે એમ છે કે કાંકેર ખાતેની પીએમ મોદીની રેલીમાં આ બાળકી પીએમ મોદીનો સ્કેચ લઈને પહોંચી હતી. બાળકીનો પોતાના માટેનો આ પ્રેમ જોઈને પીએમ મોદી ગદગદ થઈ ગયા હતા અને તેમણે તેને પત્ર લખવાનું વચન આપ્યું હતું.
બાળકીને લખેલા પત્રમાં પીએમ મોદીએ કહ્યું છે કે કાંકેરના કાર્યક્રમમાં તમે જે સ્કેચ લઈને આવ્યા હતા એ સ્કેચ મારા સુધી પહોંચી ગયો છે. આ પ્રેમભરી અભિવ્યક્તિ માટે ખૂબ ખૂબ ધનયવાદ… પીએમ મોદીએ પોતાના પત્રમાં આગળ લખ્યું છે કે ભારતની દીકરી જ દેશનું ઉજ્જ્વળ ભવિષ્ય છે. તમારા બધા પાસેથી મળી રહેલો સ્નેહ અને પ્રેમ રાષ્ટ્રને સેવા કરતી વખતે મારી તાકાત બને છે. આપણી દીકરીઓ માટે એક સ્વસ્થ, સુરક્ષિત અને સુવિધાઓથી ભરપૂર રાષ્ટ્રનું નિર્માણ જ અમારું લક્ષ્ય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છત્તીસગઢના લોકોએ હંમેશા જ મને ખૂબ પ્રેમ આપ્યો છે. દેશની પ્રગતિમાં પણ આ પ્રદેશના લોકોએ હંમેશાથી જ આગળ આવીને સહયોગ આપ્યો છે. આગામી 25 વર્ષ તમારા જેવા યુવા સાથીઓ અને દેશના વિકાસ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, એવું પણ તેમણે પત્રમાં વધુમાં લખ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે તે છત્તીસગઢમાં એક રેલી દરમિયાન એક બાળકીથી પીએમ મોદી ખુબ જ પ્રભાવિત થઈ ગયા હતા અને તેના વખાણ કરતાં પીએમ મોદીએ કહ્યું હતું કે મેં તમારી કળા જોઈ છે. તમે ખૂબ જ અદ્ભૂત કામ કર્યું છે. બાળકી લાંબા સમયથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો સ્કેચ લઈને લાંબા સમય સુધી ઊભી હતી. બાળકીના આ વહાલની નોંધ લઈને પીએમ મોદીએ એને બેસી જવાની વિનંતી હતી.
બાદમાં પોલીસ અધિકારીઓ સાથે વાતચીત કરીને વડા પ્રધાને બાળકી પાસેથી સ્કેચ લઈને એમના સુધી પહોંચાડવાની જવાબદારી સોંપી હતી. એટલું જ નહીં પીએમએ આ બાળકીનું સરનામું સુદ્ધા લીધું હતું અને તેઓ તેને પત્ર લખશે એવું વચન પણ આપ્યું હતું.