બ્રિક્સમાં પીએમ મોદીએ રોકડું પરખાવ્યું, આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

કઝાનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે 16મી બ્રિક્સ સમિટને સંબોધિત કરતાં કહ્યું હતું કે ભારત યુદ્ધને નહીં, પરંતુ કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. તેણે ચીન અને રશિયા જેવા મોટા દેશોના પ્રમુખોની સામે પણ આતંકવાદ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદના મુદ્દે લોકોનું બેવડું વલણ ચાલશે નહીં.
પીએમ મોદીએ કહ્યું, “અમારી બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વ યુદ્ધ, સંઘર્ષ, આર્થિક અનિશ્ચિતતા, જળવાયુ પરિવર્તન, આતંકવાદ જેવા અનેક પડકારોથી ઘેરાયેલું છે. વિશ્વમાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમના વિભાજનની ચર્ચા છે. મોંઘવારી નિવારણ, ખાદ્ય સુરક્ષા, ઉર્જા સુરક્ષા, આરોગ્ય સુરક્ષા, જળ સુરક્ષા એ તમામ દેશો માટે પ્રાથમિકતાના વિષયો છે અને ટેકનોલોજીના યુગમાં સાયબર સુરક્ષા, ડીપ ફેક, ડિસઇન્ફોર્મેશન વગેરે નવા પડકારો બની ગયા છે. આવી સ્થિતિમાં બ્રિક્સને લઈને ઘણી અપેક્ષાઓ છે.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત પહેલાં અમરેલીના રાજકારણમાં કેમ આવ્યો ગરમાવો? જાણો વિગત…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આંતકવાદ અને ટેરર ફાયનાન્સિંગનો સામનો કરવા આપણે તમામે એક થવું પડશે. આવા ગંભીર વિષય પર બેવડા માપદંડ માટે કોઈ સ્થાન ન હોય. આપણા દેશોએ યુવાનોમાં કટ્ટરતા રોકવા માટે સક્રિય રીતે પગલાં ભરવા જોઈએ. યુએનમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર ઘણા લાંબા સમયથી પેન્ડિંગ મુદ્દા પર આપણે મળીને કામ કરવું પડશે.
બ્રિક્સ વિભાજનકારી નહીં, જનહિતકારી સમૂહ છેઃ વડાપ્રધાન મોદી
વડાપ્રધાને કહ્યું, મારું માનવું છે કે એક ડાયવર્સ અને ઈંક્લૂસિવ પ્લેટફોર્મ તરીકે બ્રિકસ તમામ વિષયો પર સકારાત્મક ભૂમિકા ભજવી શકે છે. આ સંદર્ભમાં આપણો અભિગમ લોકોને ધ્યાનમાં રાખીને હોવો જોઈએ. આપણે વિશ્વને એવો સંદેશ આપવો જોઈએ કે બ્રિક્સ વિભાજનકારી નહીં, જનહિતકારી સમૂહ છે.
અમે યુદ્ધ નહીં, ડાયલૉગ અને ડિપ્લોમેસીનું સમર્થન કરીએ છીએઃ પીએમ મોદી
વિશ્વને લઈ ભારતના વલણ પર બોલતાં તેમણે કહ્યું, અમે યુદ્ધ નહીં, ડાયલૉગ અને ડિપ્લોમેસીનું સમર્થન કરીએ છીએ. જે રીતે આપણે મળીને કોવિડ જેવા પકડારને ઉકેલ્યો તેવી જ રીતે આપણે ભાવિ પેઢીને સુરક્ષિત, સશક્ત અને સમૃદ્ધ ભવિષ્ય માટે નવા અવસર ઉભા કરવામાં પૂરી રીતે સક્ષમ છે.