
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સવારે અચાનક પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લીધી, જ્યાંથી એક તસવીરે પાકિસ્તાનના પ્રોપેગન્ડાને એક જ ઝાટકે ધ્વસ્ત કરી દીધો, જેમાં તે ખોટો પ્રચાર કરી રહ્યું હતું કે પાકિસ્તાને હુમલો કરી ભારતના આદમપુર એર ડિફેન્સ યુનિટને નષ્ટ કરી છે. આ તસવીરમાં વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના જવાનો તરફ હાથ હલાવતા જોવા મળ્યા, જ્યારે તેમની પાછળ મિગ-29 જેટ અને એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત ઊભી હતી.
પીએમએ લીધી આદમપુર એરબેઝની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે આદમપુર એરબેઝની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ સૈનિકોને સંબોધિત પણ કર્યા હતા. એરબેઝ પર પીએમ મોદીએ કહ્યું કે આપણી મિસાઈલોથી દુશ્મન કાંપી ગયો છે. દાયકાઓ સુધી ‘ઓપરેશન સિંદૂર’નો જ્યારે ઉલ્લેખ થશે ત્યારે તમારા પરાક્રમને નમન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીએ ઓપરેશનની શાનદાર સફળતા બદલ પ્રશંસા કરતા કહ્યું કે ‘ભારત માતા કી જય’નો નારા એ દરેક સૈનિકનો સંકલ્પ છે જે દેશ માટે પોતાનો જીવ બલિદાન આપવા તૈયાર છે.
ઘરમાં ઘૂસીને મારીશું
ભારતીય વાયુસેનાના યોદ્ધાઓને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, ભારતે માત્ર આતંકવાદીઓને જ નહીં, પરંતુ તેમને સમર્થન આપતી પાકિસ્તાની સેનાને પણ જડબાતોડ જવાબ આપીને પોતાની તાકાત દેખાડી છે. જે પાકિસ્તાની સેનાના ભરોસે આ આતંકવાદીઓ બેઠા હતા, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને ભારતીયોએ તે પાકિસ્તાની સેનાને પણ ધૂળ ચટાડી દીધી છે. ભારતીય સેનાઓએ પાકિસ્તાની સેનાને એ પણ બતાવી દીધું છે કે પાકિસ્તાનમાં હવે કોઈ એવી જગ્યા નથી બચી જ્યાં આતંકવાદીઓ બેસીને શાંતિનો શ્વાસ લઈ શકે. અમે ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો એક પણ મોકો નહીં આપીએ.
અધર્મના નાશ માટે શસ્ત્ર ઉઠાવવું આપણી પરંપરા
સંબોધન દરમિયાન પીએમ મોદીએ ભારતની આધુનિક સૈન્ય ક્ષમતાની પ્રશંસા કરી હતી અને પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, આપણા ડ્રોન, આપણી મિસાઇલો – એમના વિશે વિચારવાથી જ પાકિસ્તાનની ઘણી રાતોની ઊંઘ હરામ થઈ જશે. વડાપ્રધાને કહ્યું કે ભારત બુદ્ધની પણ ભૂમિ છે અને ગુરુ ગોવિંદ સિંહજીની પણ ભૂમિ છે. ગુરુ ગોવિંદ સિંહજીએ કહ્યું હતું કે ‘સવા લાખ સે એક લડાઉં, ચિડિયાં તે મેં બાજ તુડાઉં, તબૈ ગુરુ ગોવિંદ સિંહ નામ કહાઉં. અધર્મના નાશ અને ધર્મના સ્થાપના માટે શસ્ત્ર ઉઠાવવું એ આપણી પરંપરા છે. એટલા માટે જ્યારે આપણી બહેન-દીકરીઓનો સિંદૂર છીનવાયો, ત્યારે અમે આતંકવાદીઓના ફેણને તેમના ઘરમાં ઘૂસીને કચડી નાખ્યા.
હિંદની સેનાને પડકાર ફેંક્યો
આગળ તેમણે કહ્યું હતું કે તેઓ ડરપોકની જેમ છુપાઈને આવ્યા હતા, પરંતુ તેઓ ભૂલી ગયા કે તેમણે હિંદની સેનાને પડકાર ફેંક્યો છે. તમે તેમને સામેથી હુમલો કરીને માર્યા છે. તમે આતંકના તમામ મોટા અડ્ડાઓને માટીમાં ભેળવી દીધા છે. 9 આતંકવાદી ઠેકાણાં બરબાદ કરી દીધા, 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આતંકના આકાઓને હવે સમજાઈ ગયું છે કે ભારત તરફ આંખ ઉઠાવવાનું હવે એક જ પરિણામ હશે – તબાહી. ભારતમાં નિર્દોષ લોકોનું લોહી વહેવડાવવાનું એક જ પરિણામ હશે વિનાશ અને મહાવિનાશ.”
મહારાણા પ્રતાપને પણ કર્યા યાદ
વડાપ્રધાન મોદીએ ભારતીય વાયુસેનાના જવાનોને કહ્યું કે ઓપરેશન સિંદૂરથી તમે દેશનું મનોબળ વધાર્યું છે, દેશને એકતાના સૂત્રમાં બાંધ્યો છે અને તમે ભારતની સીમાઓની રક્ષા કરી છે. તમે ભારતના સ્વાભિમાનને નવી ઊંચાઈ આપી છે. તમે કર્યું છે તે અભૂતપૂર્વ છે, અકલ્પનીય છે, અદભૂત છે. તેમણે કહ્યું, “કૌશલ દિખલાયા ચાલો મે, ઊડ ગયા ભયાનક ભાલો મે, નિર્ભીક ગયા વહ ઢાલો મે, સરપટ દોડા કરવાલો મે.” આ પંક્તિઓ મહારાણા પ્રતાપના ઘોડા ચેતક પર લખવામાં આવી હતી. પરંતુ આ પંક્તિઓ આજના આધુનિક ભારતીય હથિયારો પર પણ બંધબેસે છે. તમારા પરાક્રમના કારણે આજે ઓપરેશન સિંદૂરનો પડઘો દરેક ખૂણામાં સંભળાઈ રહ્યો છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ સૈનિકો વચ્ચે પહોંચ્યા પીએમ મોદી, આદમપુર એરબેઝ પર સૈનિકો સાથે કરી મુલાકાત