નવી દિલ્હીઃ વર્ષનો ત્રીજો મહિનો માર્ચ હજુ પૂરો થયો નથી પરંતુ દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે. અચાનક તાપમાન ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે સવારથી જ અસહ્ય ગરમીનો અનુભવ થાય છે અને બપોરે પંખા વગર રહેવું અશક્ય બન્યું છે. માર્ચમાં આકરી ગરમીને ધ્યાનમાં રાખીને જૂન સુધીમાં દેશના ઘણા રાજ્યોમાં ગરમીનો પારો વધશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં આવતીકાલ માટે હિટવેવની આગાહી કરી છે.
પ્રચંડ ગરમીથી ગુજરાતની ધરા ધગધગી રહી છે. આજે 27મી માર્ચે ગુજરાતના મુખ્ય સાત શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીને વટાવી ગયો છે. સૌરાષ્ટ્રમાં ગરમીનુ મોજૂ ફરી વળ્યું હોય તે રીતે અમરેલી અને સુરેન્દ્રનગરમાં તો ગરમીનો પારો 41.6 ડીગ્રીએ પહોચી ગયો છે. સૌરાષ્ટ્રના અન્ય શહેરોના તાપમાન પર નજર કરીએ તો, રાજકોટમાં 41 ડીગ્રી, ભાવનગરમાં 38.6 ડીગ્રી, પોરબંદરમાં 33.3 ડીગ્રી, વેરાવળમાં 30.1 ડીગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
અમદાવાદ શહેરમાં આજે નોંધાયેલ 41.1 ડીગ્રી તાપમાન સામાન્ય કરતા 2.8 ડીગ્રી વધુ છે. એટલે કે અમદાવાદમાં 38 ડીગ્રીની આસપાસ તાપમાન નોંધાવવું જોઈએ તેના બદલે 41.1 ડીગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના પાટનગર કે જે સૌથી હરિયાળુ શહેર છે તે ગાંધીનગરમાં પણ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોચી ગયો છે. ગાંધીનગરમાં સામાન્ય તાપમાન કરતા 2.7 ડીગ્રી વધુ તાપમાન નોંધાયું છે. વડોદરા શહેરમાં સામાન્ય તાપમાન કરતા 1.7 ડીગ્રી વધુ એટલે કે 40.4 ડીગ્રી ગરમી નોંધાઈ છે.
થોડા દિવસો પહેલા સુધી, દિલ્હી એનસીઆરમાં સવારે અને સાંજે ઠંડી હતી, પરંતુ માર્ચના અંત સુધીમાં, ધાબળાનું સ્થાન પંખાએ લઈ લીધું છે. મધ્ય પ્રદેશમાં ઘણી જગ્યાએ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. દિલ્હીમાં પણ આ જ પરિસ્થિતી સર્જાઈ છે, દિલ્હીમાં આજે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
મધ્યપ્રદેશ એકમાત્ર એવું રાજ્ય નથી જ્યાં સૂરજ આગ ઓકી રહ્યો હોય. આજે રાજસ્થાનના ફલોદીમાં મહત્તમ તાપમાન 41.2 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોધપુર ડિવિઝનના કેટલાક વિસ્તારોમાં આગામી 24 કલાકમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી જશે. કેરળમાં પણ આવી જ સ્થિતિ છે. કેરળમાં ગરમીની સ્થિતિ યથાવત છે. માર્ચમાં જ લોકોને પરસેવો વછુટી રહ્યો છે. કેરળના ત્રિશૂરમાં આજે મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું હતું. વારાણસીમાં આજે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીં 30 માર્ચ સુધીમાં પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
માર્ચ મહિનો પૂરો થવાનો છે અને શિયાળાએ વિદાય લીધી છે પરંતુ કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર માર્ચ મહિનો વરસાદ સાથે વિદાય લેશે. દિલ્હી NCRમાં 28-29 માર્ચે કમોસમી વરસાદ પડી શકે છે. 30 માર્ચે આકાશ વાદળછાયું રહેશે. આગામી ચાર દિવસમાં પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, ગંગા પશ્ચિમ બંગાળ, આસામ અને મેઘાલયમાં વરસાદ પડી શકે છે.