નવી દિલ્હીઃ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ મોડી પડતાં એક પેસેન્જરે ફ્લાઈટના પાઈલટને મુક્કો માર્યો હતો. આ ઘટનાથી સંબંધિત એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસાફરે ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટના પાયલટ પર હુમલો કર્યો હતો કારણ કે તેની ફ્લાઈટ મોડી થઈ હતી. આ દરમિયાન પેસેન્જરે કહ્યું, ‘તમારે પ્લેન ચલાવવું હોય તો ચલાવો, નહીંતર નીચે ઉતરો.’
આ ઘટના રવિવારે સાંજે 7 વાગે બની હતી. ઈન્ડિગોની આ ફ્લાઈટ 6E 2175 દિલ્હીથી ગોવા જઈ રહી હતી. તે સમયે પ્લેનના કેપ્ટને આવીને ફ્લાઇટની ઉડાનમાં વિલંબ અંગે જાહેરાત કરી હતી. આ કારણે એક મુસાફર એટલો ગુસ્સે થયો કે તેણે પાયલટને મુક્કો મારી દીધો હતો. પેસેન્જરે દાવો કર્યો હતો કે તે ફ્લાઇટ પકડવા માટે છેલ્લા 13 કલાકથી રાહ જોઈ રહ્યો હતો. ધુમ્મસ અને ટ્રાફિક વચ્ચે કોઈક રીતે તે એરપોર્ટ પહોંચી ગયો. કલાકો સુધી રાહ જોયા બાદ મુસાફરોને પ્લેનમાં બેસાડવામાં આવ્યા હતા. તેમ છતાં, તેમને કહેવામાં આવી રહ્યું છે કે ફ્લાઇટમાં વધુ વિલંબ થશે. ફ્લાઇટ અંગે સમયસર જાહેરાત નહીં કરવામાં આવતા મુસાફર ગુસ્સે થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેપ્ટન વિલંબની જાહેરાત કરી રહ્યા છે, તે દરમિયાન અચાનક પીળા રંગની હૂડી પહેરેલી એક મુસાફર કેપ્ટન તરફ દોડે છે અને તેના મોઢા પર મુક્કો મારી દે છે. કેપ્ટનની નજીક ઉભેલી ફ્લાઈટ એટેન્ડન્ટ તરત જ તેના બચાવમાં આવે છે અને કેપ્ટનની સામે ઉભા રહીને પરિસ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરે છે. વાયરલ વીડિયોમાં ફ્લાઈટ એટેન્ડન્ટ કેપ્ટનનો બચાવ કરતા સાંભળી શકાય છે, “સર, તમે આવું કરી શકતા નથી.” જ્યારે ઘણા મુસાફરોએ આરોપીની વર્તણૂકને યોગ્ય ઠેરવી હતી અને વિલંબ માટે ઇન્ડિગોને જવાબદાર ઠેરવ્યું હતું અને તેની ઘણી ટીકા કરી હતી.
વીડિયો વાયરલ થયા પછી, કેટલાક લોકોએ મુસાફરોની સમસ્યાઓ વર્ણવી છે. તાજેતરના દિવસોમાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ, ફ્લાઇટમાં વિલંબ અને ધોરણોનું પાલન ન થવાની ઘણી ફરિયાદો પ્રકાશમાં આવી છે. લોકો મોંઘા દાટ ભાડા ચૂકવીને એરટિકિટ ખરીદે અને તેમને યોગ્ય સેવા મળવાનું તો દૂરની વાત છે, પણ ફ્લાઇટમાં કલાકોનો વિલંબ થાય તો લોકોનો હવાઇ પ્રવાસ કરવાનો હેતુ જ માર્યો જાય છે.
દરમિયાનમાં આરોપીની ઓળખ સાહિલ કટારિયા તરીકે થઈ છે. આ ઘટના બાદ એરપોર્ટ ઓથોરિટીએ આ મુસાફરને ફ્લાઈટમાંથી ઉતારીને CISFને સોંપી દીધો હતો. આ પછી દિલ્હી પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.જે પ્રવાસીએ પાયલટને મુક્કો માર્યો હતો તેને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકવામાં આવે તેવી શક્યતા પણ એરલાઇનના સૂત્રોએ વ્યક્ત કરી છે.