નવી દિલ્હીઃ રાજ્યસભામાં ‘ધક્કામુક્કી કાંડ’ મુદ્દે કૉંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, જયરામ રમેશ સહિત તમામ નેતા હાજર રહ્યા હતા. કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે સરકાર અને ખાસ કરીને વડા પ્રધાન અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ડૉ. બીઆર આંબેડકર અંગે નિવેદન આપ્યું હતું, જે ખૂબ જ દુખદ છે. ભાજપે નેહરુ-આંબેડકર પર ન માત્ર જૂઠ્ઠું બોલ્યા પરંતુ તેમનું અપમાન કર્યુ. ગૃહ પ્રધાન અમિત શાહ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર નથી. ગૃહ પ્રધાને રાજીનામું આપવું જોઈએ અને દેશની માફી માંગવી જોઈએ.
રાહુલ ગાંધીએ શું કહ્યું?
પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દેશની માફી માંગવી જોઈએ અને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું જોઈએ. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભાજપે સંસદમાં અદાણીના કેસ પર ચર્ચા અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપ શરૂઆતથી જ આ મુદ્દો ઉઠાવી રહ્યું છે. ત્યારબાદ આંબેડકર પર ગૃહપ્રધાનનું નિવેદન આવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ભાજપની વિચારધારા આંબેડકર વિરોધી છે. આજે ફરી એકવાર ભાજપે આ મુદ્દાનો માર્ગ બદલવાનો પ્રયાસ કર્યો હતો. અમે આજે સંસદ જઈ રહ્યા હતા, ભાજપના સાંસદો સંસદની સીડી પર ડંડા લઈને ઊભા હતા અને અમને અંદર જવા દેતા નહોતા.
ધક્કામુક્કી વિવાદ પર શું બોલ્યા ખડગે?
આ દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, અમે સંસદમાં દરરોજ દેખાવ કરતા હતા. ક્યારેય હિંસા નહોતા કરતાં. આજે પણ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહ્યા હતા. અમને મકર દ્વાર પર રોકવામાં આવ્ય હતા. આ દરમિયાન અમારા પર હુમલો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : ઘાયલ થયા પ્રતાપ સારંગી તો ગુસ્સે થયા નિશિકાંત દુબે, જાણો રાહુલ ગાંધીને શું બોલ્યા
ભાજપના સાંસદે મને ધક્કો માર્યો હતો. અમારી મહિલા સાંસદોને પણ ધક્કો મારવામાં આવ્યો હતો. તે લોકો અમારી મજાક ઉડાવતાં હતા. અમે આ મુદ્દે દેશવ્યાપી પ્રદર્શન કરીશું.