ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

Pakistan Election 2024: ઇમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારો આગળ, ઇન્ટરનેટ શટ ડાઉનની જવાબદારીથી હાથ ખંખેરવા ભારતનું ઉદાહરણ આપ્યું

નવી દિલ્હી: પાકિસ્તાનમાં અત્યાર સુધી 265 નેશનલ એસેમ્બલી સીટોમાંથી 244 સીટોના ​​પરિણામો જાહેર કરવામાં આવ્યા છે (Pakistan Election 2024 Results). તેમાંથી 96 બેઠકો પૂર્વ વડાપ્રધાન ઈમરાન (Former PM Imran Khan) ખાનની પાર્ટી PTI દ્વારા સમર્થિત અપક્ષ ઉમેદવારોએ જીતી છે. ચૂંટણી પંચ દ્વારા પરિણામ જાહેર કરવામાં વિલંબના કારણે ચૂંટણીમાં ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે. હજુ મતગણતરી ચાલુ છે. ધાંધલધમાલ, છૂટાછવાયા હિંસા અને મોબાઈલ ઈન્ટરનેટ બંધ (Internet Shutdown in PAK) કરવાના આરોપો વચ્ચે ગુરુવારે દેશમાં ચૂંટણી યોજાઈ હતી.

પાકિસ્તાનમાં પરિણામોને લઈને સ્થિતિ હવે સ્પષ્ટ થઈ રહી છે. અત્યાર સુધીના પરિણામોમાં કોઈપણ પક્ષને બહુમતી મળી નથી. ત્રિશંકુ પરિણામોના કારણે છેડછાડની શક્યતાઓ વધી છે. એક તરફ નવાઝ શરીફે તમામ પક્ષોને ગઠબંધન સરકાર બનાવવા માટે હાકલ કરી છે. જ્યારે, બિલાવલ કેમ્પમાં પણ હલચલ વધી ગઈ છે.
ઉમ્મીદ છે કે તેઓ શરીફને જલ્દી મળી શકે છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ એટલે કે ચૂંટણીના દિવસે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો પરંતુ પાકિસ્તાનના કાર્યકારી માહિતી મંત્રી મુર્તઝા સોલંગીએ કહ્યું છે કે ઈન્ટરનેટ પર કોઈ પ્રતિબંધ નથી અને લોકો સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરી શકતા હતા. ચૂંટણીમાં ગોટાળાના આરોપોનો સામનો કરી રહેલા સોલંગીએ ભારત પર નિશાન સાધતા પોતાનો ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સોલંગીએ પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરવા ભારતને તેના ઘરેલું મામલામાં ખેંચવાનો પ્રયાસ કર્યો.
ભારતનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, ‘વર્ષ 2022માં વિશ્વના 35 દેશોમાં 187 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું અને આપણા કથિત લોકતાંત્રિક પાડોશી દેશ છે, તેણે 84 વખત ઈન્ટરનેટ બંધ કર્યું છે.’ ઉલ્લેખનીય છે કે વર્ષ 2022માં ભારતમાં 84 વખત ઈન્ટરનેટ બંધ થયું હતું.

આપને જણાવી દઈએ કે, 336 નેશનલ એસેમ્બલી સીટોમાંથી 266 માટે મતદાન થાય છે, પરંતુ બાજૌરમાં, એક ઉમેદવારના હુમલામાં માર્યા ગયા બાદ મતદાન સ્થગિત કરવામાં આવ્યું હતું. અન્ય 60 બેઠકો મહિલાઓ માટે અને 10 બેઠકો લઘુમતીઓ માટે અનામત છે, અને આ પ્રમાણસર પ્રતિનિધિત્વના આધારે વિજેતા પક્ષોને ફાળવવામાં આવે છે. નવી સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને 265માંથી 133 બેઠકો જીતવી પડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button