
નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે વિવાદ ચાલુ છે. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને કારણે બંને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઇ છે. દરમિયાન, મંગળવારે વિદેશ પ્રધાન એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78મા સત્રને સંબોધિત કરતી વખતે આતંકવાદ અને વિદેશી દખલ જેવા મુદ્દાઓ પર ચીન સહિત કેનેડાને આડકતરી રીતે સલાહ આપી હતી. કોઈપણ દેશનું નામ લીધા વિના તેમણે કહ્યું હતું કે રાજકારણ ખાતર આતંકવાદને પ્રોત્સાહન આપવું ખોટું છે. તે સમયે કેનેડાના રાજદૂત બોબ રેએ કહ્યું હતું કે તેમના દેશે જોયું કે વિદેશી હસ્તક્ષેપને કારણે દેશની લોકશાહી જોખમમાં છે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજકીય લાભ માટે સંબંધોને ટાંકીને દેશના નિયમોમાં બાંધછોડ કરી ના શકાય કે એમાં છૂટછાટ આપી ના શકાય.
ટ્રુડોના ભારત પર આરોપો બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે અહીં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના 78મા સત્રની સામાન્ય ચર્ચાને સંબોધિત કરતી વખતે એમ પણ કહ્યું હતું કે પ્રાદેશિક અખંડિતતા અને આંતરિક બાબતોમાં હસ્તક્ષેપનો આદર પસંદગીપૂર્વક કરી શકાય નહીં.
કેનેડાનું નામ લીધા વિના વિદેશ મંત્રી જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે હવે તે દિવસો વીતી ગયા છે જ્યારે કેટલાક દેશો એજન્ડા નક્કી કરતા હતા જ્યારે અન્ય દેશો તેને અનુસરે તેવી અપેક્ષા હતી. આજે પણ કેટલાક દેશો એવા છે જે એજન્ડા નક્કી કરે છે પરંતુ હવે આ શક્ય નથી. પ્રાદેશિક અખંડિતતા માટે આદર અને આંતરિક બાબતોમાં બિન-દખલગીરીનો ઉપયોગ સિલેક્ટિવલી કરી શકાતો નથી.
વિદેશ પ્રધાન જયશંકર આડકતરી રીતે યુએસનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેણે શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ કેનેડાને કથિત રીતે ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. રાજનૈતિક ઉચિતતા અંગે જયશંકરની ટિપ્પણીઓ કેનેડાના સંદર્ભમાં હતી, જેના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં તેમના દેશમાં ખાલિસ્તાની ઉગ્રવાદી નેતાની હત્યામાં ભારતીય ગુપ્તચર એજન્ટોની ‘સંભવિત’ સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ભારતે તેમના નિવેદનને ‘બકવાસ’ અને ‘રાજકીય રીતે પ્રેરિત’ ગણાવ્યું હતું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દર બાગચીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, કેનેડા સરકાર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો મુખ્યત્વે રાજકીય રીતે પ્રેરિત છે.”