ટોપ ન્યૂઝનેશનલ

One Nation One Election: જેપીસી સભ્યોને સૂટકેસમાં સોંપાયો 18 હજાર પાનાનો રિપોર્ટ , કોંગ્રેસે બિલને બંધારણનું ઉલ્લંધન ગણાવ્યું…

નવી દિલ્હી : વન નેશન વન ઇલેક્શનની( One Nation One Election)અંગે સંસદની સંયુક્ત સમિતિની પ્રથમ બેઠક બુધવારે યોજાઈ હતી. આ દરમિયાન સત્તાધારી પક્ષ અને વિપક્ષના તમામ સાંસદોએ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા.સત્તાધારી પક્ષ સાથે સંકળાયેલા સાંસદોએ આ બિલને દેશની જરૂરિયાત ગણાવ્યું તો વિપક્ષના સાંસદોએ આ બિલને મોટાભાગના રાજ્યોને તેમના અધિકાર છીનવી લેનારું બિલ ગણાવ્યું હતું.

આ પણ વાંચો : One Nation One Election બિલની રજૂઆત વખતે પાટીલ, ગડકરી સહિત 20 સાંસદ ગેરહાજર

કોંગ્રેસે આ બિલને બંધારણનું ઉલ્લંધન ગણાવ્યું

કોંગ્રેસે આ બિલને બંધારણનું ઉલ્લંધન ગણાવ્યું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ બેઠક દરમિયાન પ્રિયંકા ગાંધીએ વન નેશન વન ઇલેક્શન પર કહ્યું કે સરકારે એ પણ જણાવવું જોઈએ કે જો દેશમાં તમામ ચૂંટણીઓ એક સાથે થાય છે, તો પછી પૈસાની બચત કેવી રીતે થશે? જો આખા દેશમાં એકસાથે ચૂંટણી યોજાવાની હોય તો તેના માટે કેટલા ઈવીએમ ઉપલબ્ધ છે?

સૂટકેસમાં 18,000 થી વધુ પાનાના દસ્તાવેજો

આ બેઠક દરમિયાન કાયદા મંત્રાલયના અધિકારીઓએ સમિતિના સભ્યોને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રચાયેલી સમિતિના અહેવાલ વિશે માહિતી આપી હતી. આ સિવાય સમિતિના સભ્યોને બિલની જોગવાઈઓ વિશે પણ માહિતી આપી હતી. જેમાં આ બેઠક બાદ એક મોટી સૂટકેસમાં 18,000 થી વધુ પાનાના દસ્તાવેજો સમિતિના તમામ સભ્યોને સોંપવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ સૂટકેસ સાથેની તસવીર શેર કરી હતી.

મોટી સૂટકેસ પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા

આ સમિતિના સભ્યોને કહેવામાં આવ્યું હતું કે તેમાં એવા તમામ દસ્તાવેજો છે જે આ બિલ લાવવાનું કારણ અને તેને કેવી રીતે લાગુ કરી શકાય તેની માહિતી આપશે. આ બેઠક બાદ સમિતિના સભ્યો પણ તે મોટા સૂટકેસ પોતાની સાથે લઈ જતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : શું ઈન્દિરા ગાંધીની ભૂલથી ખતમ થયેલા One Nation, One Electionને મોદી સરકાર સુધારી શકશે? જાણો

બિલનું સમર્થન કરનારા સાંસદોએ કરી આ દલીલ

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બિલને સમર્થન કરનારા સાંસદોએ દલીલ કરી હતી કે જ્યારે દેશમાં 1967 સુધી એકસાથે ચૂંટણી થઈ શકતી હતી તો હવે તેની સામે કેમ વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે. જો 1967 સુધી રાજ્યોના અધિકારો છીનવી લેનાર કાયદો ન હતો, તો હવે તેને રાજ્યોના અધિકારોમાં દખલ કરતું બિલ કેમ કહેવામાં આવે છે?

બિલનું સમર્થન કરી રહેલા સાંસદોએ દેશમાં 1957નું ઉદાહરણ પણ આપ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, 1957નું ઉદાહરણ આપતાં કહેવામાં આવ્યું હતું કે, 1957માં 6-7 વિધાનસભાના કાર્યકાળને સમય પહેલા વિખેરી નાખવામાં આવ્યો હતો અને એક સાથે ચૂંટણી યોજવામાં આવી હતી. આ કરવામાં આવ્યું તે સમય દરમિયાન, બંધારણ સભાના અધ્યક્ષ દેશના રાષ્ટ્રપતિનું પદ સંભાળતા હતા.

વિકાસની યોજનાઓ ખોરવાઈ રહી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર આ બેઠક દરમિયાન મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડ જેવા રાજ્યોના ઉદાહરણ પણ આપવામાં આવ્યા હતા. જ્યાં લોકસભાની ચૂંટણીના થોડા મહિનામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજવામાં આવે છે અને મુંબઈ મહાનગરપાલિકા જેવી ચૂંટણીઓ વિધાનસભાની ચૂંટણીના થોડા મહિના પછી યોજાય છે. એટલે કે આખું વર્ષ ચૂંટણીઓ ચાલુ રહે છે. જેના કારણે વિકાસની યોજનાઓ ખોરવાઈ રહી છે.

આ પણ વાંચો : ‘One Nation, One Election’ બિલની રજૂઆત: સરકારની તરફેણમાં 269 અને વિરુદ્ધમાં 198 મત પડ્યા, જેપીસીને મોકલવામાં આવ્યું બિલ

આ સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરી

ઉલ્લેખનીય છે કે વન નેશન વન ઇલેક્શન માટે બનેલી સંસદની આ સંયુક્ત સમિતિમાં 39 સભ્યો છે. આ સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યો છે. આ સમિતિના અધ્યક્ષ પીપી ચૌધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button