નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે સીબીઆઈનું ભારતપોલ પોર્ટલ શરૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય દેશમાં ઇન્ટરપોલ જેવી સિસ્ટમ સ્થાપિત કરવાનો છે. સીબીઆઈએ આ અત્યાધુનિક ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને આ પોર્ટલ સીબીઆઈ હેઠળ કામ કરશે. આની મદદથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની પોલીસ અને કેન્દ્રીય એજન્સીઓ વિદેશમાં છુપાયેલા ભાગેડુઓ અથવા અન્ય મામલાની માહિતી સીધી ઈન્ટરપોલ પાસેથી મેળવી શકશે. આમ, આ પોર્ટલ આંતરરાષ્ટ્રીય પોલીસિંગ ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ સહાયક સાબિત થશે. આ પોર્ટલ ખાસ કરીને સાયબર ક્રાઈમ, ફાયનાન્સિયલ ક્રાઈમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, હ્યુમન ટ્રાફિકિંગ અને ઈન્ટરનેશનલ ગુનાઓની તપાસ ઝડપી બનાવવા માટે બનાવવામાં આવ્યું છે. આના દ્વારા રિયલ ટાઈમ માહિતી મેળવવાનું પણ શક્ય બનશે.
ગૃહ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાજેતરના વર્ષોમાં સાયબર ગુનાઓ, નાણાકીય ગુનાઓ, ઓનલાઈન કટ્ટરપંથીકરણ, સંગઠિત અપરાધ, માદક દ્રવ્યોની હેરાફેરી, માનવ તસ્કરી વગેરેની વધતી જતી અસરને કારણે કેસોની તપાસ ઝડપી બનાવવાની જરૂર છે. એવા સમયે ભારતપોલ બહુ કામ લાગશે. ભારતપોલની મદદથી રાજ્ય પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ ઇન્ટરપોલ દ્વારા આંતરરાષ્ટ્રીય મદદ મેળવી શકશે.
ઈન્ટરપોલ દરેક સભ્ય દેશમાં તેના નેશનલ સેન્ટ્રલ બ્યુરો (NCB) દ્વારા કામ કરે છે. ભારતમાં NCB તરીકે CBI છે જે દેશભરની વિવિધ એજન્સીઓ સાથે સહયોગ કરીને ફોજદારી કેસોમાં આંતરરાષ્ટ્રીય સહયોગમાં મદદ કરે છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ સ્તરે આ સંકલન INTERPOL લાયઝન ઓફિસર્સ/ILO દ્વારા કરવામાં આવે છે. ILO પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર અને તેમની સંબંધિત સંસ્થાઓમાં શાખાના વડાઓના સ્તરે યુનિટ ઓફિસર્સ (UOs) સાથે સંકલન સાધે છે. હાલમાં CBI,ILO અને UOs વચ્ચે જરૂરી માહિતીઓની આપ-લે પત્રો, ઈમેલ અને ફેક્સ દ્વારા થાય છે, પણ એમાં ઘણો સમય લાગે છે. ઉપરાંત સમાચાર લીક થવાનું પણ જોખમ રહે છે. એવા સમયે ભારતપોલ ઘણું મદદરૂપ સાબિત થશે. હવે રાજ્યોની પોલીસ આ પોર્ટલ દ્વારા ઈન્ટરપોલને કોઈ પણ અપરાધીની માહિતી માટે સીધી વિનંતી કરી શકશે અને તેમને સીબીઆઇ પાસે જવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચો…પ્રશાંત કિશોર બેભાન થઇ પડી ગયા! જાણો ગઈ કાલના નાટકીય ઘટનાક્રમ વિષે
અમિત શાહે જણાવ્યું હતું કે ભારતપોલથી મોદી સરકારના બધા માટે સુરક્ષિત ભારત બનાવવાનું સ્વપ્ન પૂર્ણ થશે.