ટોપ ન્યૂઝનેશનલ

Weather News: દેશભરમાં ઠંડીનો ચમકારો, આ તારીખથી કોલ્ડવેવની શક્યતા

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆત થતા જ દેશમાં શિયાળો(Winter) જામી રહ્યો છે. ઉત્તર ભારત ઉપરાંત હવે પશ્ચિમ અને પૂર્વ ભારતમાં પણ ઠંડી વધી રહી છે, કેટલાક વિસ્તારો ગાઢ ધુમ્મસની છવાયેલી જોવા મળી છે. જમ્મુ-કાશ્મીરથી લઈને બિહાર અને પંજાબ, હરિયાણાથી લઈને પૂર્વી ઉત્તર પ્રદેશ સુધી ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. હિમાચલના કુકુમસેરીમાં લઘુતમ તાપમાન માઈનસ 7.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયું હતું જ્યારે પહેલગામમાં માઇનસ 6.2 ડિગ્રી નોંધાયું હતું.

પહાડોમાં હિમવર્ષાના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં મંગળવારે દિવસભર ઠંડીનું મોજુ યથાવત રહ્યું હતું. દિવસ દરમિયાન સૂર્યના તાપ છતાં કડકડતી ઠંડી વર્તાઈ હતી. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને 8.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધારે છે પરંતુ આગળના દિવસો કરતાં બે ડિગ્રી ઓછું છે. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વાહનવ્યવહારને પ્રતિકૂળ અસર થઇ રહી છે, ખાસ કરીને રેલ્વેને, મોટાભાગની ટ્રેનો કલાકો મોડી ચાલી રહી છે.


ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે 5 થી 11 જાન્યુઆરી વચ્ચે રાત્રિના તાપમાનમાં વધુ ઘટાડો થવાનું અનુમાન છે. તેની અસરને કારણે મધ્ય ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ બની છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના ઉત્તરીય ભાગ અને ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગમાં દિવસ દરમિયાન પણ નીચું તાપમાન નોંધાશે.


જમ્મુ-કાશ્મીરમાં દાલ સરોવર સહિત પાણીના તમામ સ્ત્રોતો થીજી ગયા છે. પહાડોના ઊંચા શિખરો પર ભારે હિમવર્ષાના કારણે કાશ્મીર ખીણ તીવ્ર ઠંડી પડી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ધુમ્મસના કારણે રેલ અને હવાઈ સેવાઓ પ્રભાવિત થઈ છે. મંગળવારે પણ જમ્મુ પહોંચતી ઘણી ટ્રેનો અને ફ્લાઈટ્સ મોડી પહોંચી હતી. હવામાન કેન્દ્ર શ્રીનગરના જણાવ્યા અનુસાર, 4 અને 5 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. 8 જાન્યુઆરીએ પણ હવામાનની પેટર્ન બદલાશે.


ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું છે કે વર્ષ 2023 ભારત માટે બીજું સૌથી ગરમ વર્ષ હતું. ઉપરાંત, વિભાગે આગાહી કરી છે કે જાન્યુઆરી મહિનામાં દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ઠંડી પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button