ટોપ ન્યૂઝનેશનલ

નિર્મલા સીતારમણ દ્વારા મોટી જાહેરાત, હવે આ વસ્તુઓ પર GST નહીં લાગે…

જેસલમેર: ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલની 55મી બેઠક પૂરી થઈ ગઈ છે, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણના નેતૃત્વમાં રાજસ્થાનના જેસલમેરમાં મળેલી આ બેઠકમાં ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. નાણાપ્રધાન બેઠક દરમિયાન લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરી રહ્યા છે.

આ પણ વાંચો : મણીપુરવાળા જોતા રહી ગયા અને મોદીજી કુવૈત જતા રહ્યા, કોંગ્રેસના પ્રહાર

કાઉન્સિલના નિર્ણયોની હાઈલાઈટ્સ:

• ફોર્ટિફાઇડ રાઇસ કર્નલો પર જીએસટી દર ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.

• ગ્રાઉન્ડ ટૂ એર મિસાઇલો પર IGST (ઇન્ટર-સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)માં છૂટ આપવામાં આવી છે.

• નાણા પ્રધાનના જણાવ્યા મુજબ આરોગ્ય અને જીવન વીમા પર લાગતા GSTમાં છૂટ આપવા GoMએ વિગતવાર ચર્ચા કરી છે. પરંતુ IRDAI ના ઇનપુટ્સ મેળવ્યા પછી GoM અહેવાલને અંતિમ સ્વરૂપ આપશે, જોકે રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપવા માટે GoMને કોઈ સમયરેખા આપવામાં આવી નથી.

• નવા EV વાહનો પર 5% GST છે. જૂની EV કાર જ્યારે એક વ્યક્તિ બીજા વ્યક્તિને વેચે ત્યારે કોઈ GST લાગતો નથી. પરંતુ જો કોઈ કંપની જૂની ઈવી, પેટ્રોલ, ડીઝલ વાહનોનું વેચાણ કરે છે, તો કાઉન્સિલે માર્જિન પર GST રેટ વધારીને 18% કર્યો છે.

• કાઉન્સિલ પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને અન્ય રાજ્યોના પ્રતિનિધિઓ સહિત ગ્રુપ ઓફ મીનીસ્ટર્સ (GoM) ની રચના કરવા માટે સંમત થઇ, જે મુજબ અમુક વસ્તુઓ અને સેવાઓ પર 1% આફત સેસ (calamity cess) લાગુ કરવા માટેની સિસ્ટમ નક્કી કરશે. સીતારમણે કહ્યું કે આ સેસ રાજ્યોને કુદરતી આફતો વખતે રહાત આપવા મદદ કરશે.

• એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ને જીએસટી કાઉન્સિલ હેઠળ લાવવા માટે રાજ્યો વચ્ચે કોઈ કરાર નથી થયો.

• નિકાસકા માટે સપ્લાય પર કમ્પેનસેશન સેસના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નિકાસકારો માટે વર્કિંગ કેપિટલ વધે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

• 50% ફ્લાય એશ સાથેના ACC બ્લોક પર 12% GST લાગશે.

• ખેડૂતો કાળા મરી અને કિસમિસ સપ્લાય કરશે તેના પર કોઈ GST લાગશે નહીં.

• પેમેન્ટ એગ્રીગેટર્સને 2,000 રૂપિયાથી ઓછી રકમના પેમેન્ટ પર GSTમાંથી રાહત મળશે, પરંતુ પેમેન્ટ ગેટવે અને ફિનટેક સેવાઓને આ રાહત નહીં મળે.

• બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ (NBFCs) લોનની શરતોનું પાલન ન કરનાર પર જે દંડ લગાવાશે તેના પર GST લાદવામાં આવશે નહીં.

• નાણા પ્રધાને કહ્યું કે GST કાઉન્સિલે ક્વિક કોમર્સ, ઈ-કોમર્સ અને ફૂડ ડિલિવરી એપ્સ પર GST લાદવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી, પરંતુ ફૂડ ડિલિવરી પર GST અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button