રમતે ફરી બે દેશોને જોડ્યા: ‘અરશદ પણ મારો દીકરો છે…’ નીરજ ચોપરાની માતાનું નિવેદન
નવી દિલ્હી: ભારતના સ્ટાર જેવલિન થ્રો એથ્લેટ નીરજ ચોપરાએ પેરિસ ઓલિમ્પિક (Niraj Chopra in Paris Olympic)માં સિલ્વર મેડલ જીતીને સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય ટ્રેક અને ફિલ્ડ ખેલાડી બન્યો છે. દેશવાસીઓને નીરજ પાસે ગોલ્ડ મેડલની આશા હતી, ફાઈનલ મેચમાં પાકિસ્તાનના અરશદ નદીમે (Arshad Nadeem) શાનદાર પ્રદર્શન કરતા ગોલ્ડ મેડલ જીત્યો હતો,સાથે તેણે ઓલિમ્પિકમાં નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ પરિણામ બાદ નીરજ ચોપરાની માતાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેણે કહ્યું કે જેણે ગોલ્ડ મેડલ જીત્યો છે તે પણ અમારો દીકરો છે.
નીરજે મેડલ ઈવેન્ટમાં 89.45 મીટરનો થ્રો કર્યો હતો, જે ઓલિમ્પિકમાં તેનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ થ્રો પણ છે. નીરજના મેડલ જીતવાથી દેશભરના લોકોમાં આનંદની લાગણી છે. નીરજના આ ઐતિહાસિક પ્રદર્શનની પાણીપતમાં તેના ઘરે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી, આ દરમિયાન તેના માતા-પિતાએ નિવેદન પણ આપ્યું હતું.
નીરજ ચોપરાની માતા સરોજ દેવીએ કહ્યું, “અમે ખૂબ જ ખુશ છીએ, અમારા માટે સિલ્વર ગોલ્ડ બરાબર છે. જેણે ગોલ્ડ જીત્યો છે તે પણ અમારો પુત્ર છે. તેણે સખત મહેનત કરીને મેડલ જીત્યો છે. દરેક ખેલાડીનો દિવસ હોય છે. તેને(નીરજ) ઈજા થઇ હતી, તેથી અમે તેના પ્રદર્શનથી ખુશ છીએ. તેણે દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે અને આ યુવા પેઢી માટે પણ પ્રેરણાનું કામ કરશે. જ્યારે તે પરત આવશે ત્યારે હું તેનું મનપસંદ ભોજન બનાવીશ. “
નીરજ ચોપરાના પિતાએ કહ્યું કે અમે દબાણ ન કરી શકીએ. દરેક એથ્લેટનો એક દિવસ હોય છે, આજે પાકિસ્તાની એથલીટ અરશદ નદીમનો દિવસ હતો, અરશદ ગોલ્ડ જીતવામાં સફળ રહ્યો હતો.
26 વર્ષીય નીરજ ચોપરાનો બીજો થ્રો તેનો એકમાત્ર માન્ય થ્રો હતો જેમાં તેણે 89.45 મીટરનો થ્રો કર્યો હતો જે આ સિઝનનો તેનો સર્વશ્રેષ્ઠ થ્રો હતો. આ સિવાય તેના પાંચેય પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આ પહેલા તેણે ટોક્યો ઓલિમ્પિકમાં 87.58 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
મેડલ ઇવેન્ટમાં પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો, તેણે બીજો થ્રો 92.97 મીટરનો કર્યો હતો. તેનો છઠ્ઠો અને છેલ્લો થ્રો 91.79 મીટરનો હતો.
1992 બાર્સેલોના ઓલિમ્પિક બાદ પાકિસ્તાનનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. આ પહેલા દસ મેચમાં નીરજ ચોપરાએ દર વખતે અરશદ નદીમને હરાવ્યો હતો.
નીરજ ચોપરા ઓલિમ્પિકમાં ભારતનો ત્રીજો એથ્લેટ બન્યો છે જેણે વ્યક્તિગત ઈવેન્ટમાં 2 મેડલ જીતવામાં સફળતા મેળવી છે. નીરજે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીત્યો છે, તો આ વખતે સિલ્વર મેડલ જીત્યો છે. તેમના પહેલા રેસલર સુશીલ કુમારે 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ અને 2012 લંડન ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર અને ટોક્યોમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.