કોલકાતા: છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ બંગાળ(West Bengal)માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે, જાન્યુઆરી મહિનામાં સંદશખાલી(Sandeshkhali)માં EDના અધિકારીઓ પર હુમલો થયો હતો, ત્યાર બાદ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની એક ટીમ પર હુમલો થયો હોવાના આહેવાલ છે. આજે શનિવારે સવારે NIAની ટીમ પર પૂર્વ મિદનાપુર જિલ્લાના ભૂપતિનગરમાં હુમલો કરવામાં આવ્યો હતો.
અહેવાલો મુજબ વર્ષ 2022માં થયેલા બ્લાસ્ટના કેસની તપાસ કરવા જઈ રહેલી NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રારંભિક માહિતી મુજબ NIA ટીમની કાર પર ઇંટો ફેંકવામાં આવી હતી, જેને કારણે કારની વિન્ડસ્ક્રીનને નુકસાન પહોંચ્યું છે. જો કે હજુ સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ ઘટના સવારે 5.30 વાગ્યાની આસપાસ બની હતી.
3 ડિસેમ્બર, 2022 ના રોજ ભૂપતિનગરમાં એક વિસ્ફોટથી બાદ મકાનની ધરાશાયી થઇ ગઈ હતી, જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. ગયા મહિને NIAએ વિસ્ફોટના સંબંધમાં તૃણમૂલ કોંગ્રેસના આઠ નેતાઓને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હતા. TMCએ NIAના આ પગલાને ભાજપનો રાજકીય દાવ ગણાવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓની એક ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે દરોડા પાડવા જી રહી હતી, એ સમયે ટોળાએ EDની ટીમ અને સેન્ટ્રલ ફોર્સના જવાનો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. EDના ત્રણ અધિકારીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. ત્યાર બાદ હવે NIAની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે, જે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાના સંકેત આપે છે.