
નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એડ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (એનસીઈઆરટી) પહેલી એપ્રિલથી શરૂ થઈ રહેલા 2024-25ના વર્ષ માટે ત્રીજાથી છઠ્ઠા ધોરણ સુધીના અભ્યાસક્રમ માટે નવો અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો બહાર પાડશે, જ્યારે બાકીના ધોરણો માટે અભ્યાસક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
એનસીઈઆરટીએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એડ્યુકેશન (સીબીએસઈ)ને એવી જાણકારી આપી હતી કે ત્રીજાથી છઠ્ઠા ધોરણ માટે અત્યારના અભ્યાસક્રમમમાં સુધારા થઈ રહ્યા છે અને તેને ટૂંક સમયમાં પ્રકાશિત કરવામાં આવશે.
શાળાને ત્રીજાથી છઠ્ઠા ધોરણ માટે નવા અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે, એમ સીબીએસઈને ડિરેક્ટર (એકેડેમિક્સ) જોસેફ ઈમેન્યુએલે જણાવ્યું હતું.
નવા અભ્યાસક્રમને ધ્યાનમાં લેતાં બોર્ડ દ્વારા એનઈપી-2020માં અપેક્ષિત શાળાના પ્રાચાર્યો અને શિક્ષકો માટે કેપેસિટી બિલ્ડિંગ પ્રોગ્રામ પણ આયોજિત કરવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
રમકડાં, કોયડા, કઠપુતળી, પોસ્ટર્સ, ફ્લેશકાર્ડ, વર્કશીટ અને આકર્ષક વાર્તાના પુસ્તકો પાયાના શિક્ષણ માટેના જાદુઈ પિટારાનો હિસ્સો છે. 2022માં એનસીઈઆરટીએ છઠ્ઠાથી બારમા ધોરણ સુધીના અભ્યાસક્રમમાં સુધારો કર્યો હતો જેથી કોરોનાકાળને ધ્યાનમાં લેતાં વિદ્યાર્થીઓ પરની તાણમાં ઘટાડો થાય.
ગયા વર્ષે પ્રકાશિત પાઠ્યપુસ્તકોમાંથી મોગલ કોર્ટ, 2002ના ગુજરાત રમખાણો, શીત યુદ્ધ, મોગલ શાસકોના સંદર્ભો, કટોકટી અને સામયિક ટેબલના પાઠને બાદ કરી નાખવામાં આવ્યા હતા. (પીટીઆઈ)