નવી દિલ્હી: દિલ્હીમાં પડેલા વરસાદને કારણે નવનિર્મિત સંસદ ભવન(New Parliament Building)માં પાણી ભરાઈ જવાના અને છતમાંથી પાણી ટપકવાના દ્રશ્યો સામે આવ્યા હતા. વિપક્ષે સંસદ ભવનમાં વરસાદી પાણી ભરવા અંગે કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
સમાજવાદી પાર્ટીના વડા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે (Akhilesh Yadav) સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, ‘જૂની સંસદ આ નવી સંસદ કરતાં સારી હતી, જ્યાં જૂના સાંસદો પણ આવીને મળી શકતા હતા. કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સંસદમાં પાણી ટપકવાનો કાર્યક્રમ ચાલે છે, ત્યાં સુધી જૂની સંસદને ફરી ચાલુ કરીએ.’
અખિલેશે વધુમાં કહ્યું કે જનતા પૂછી રહી છે કે ભાજપ સરકારના શાસનમાં બનેલી દરેક નવી છતમાંથી પાણી ટપકવું એ તેમની વિચારશીલ રચનાનો એક ભાગ છે કે…
નવી સંસદ ભવનમાં પાણી ભરાવાને કારણે કોંગ્રેસમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આ અંગે નોટિસ પણ જાહેર કરી છે. કોંગ્રેસે સંસદમાં વોટર લોગિંગ પર સવાલ ઉઠાવતા આ નોટિસ આપી છે.
લોકસભામાં કોંગ્રેસના વ્હીપ મણિકમ ટાગોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું, ‘બહાર પેપર લીક, સંસદમાં પાણી લીક. રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતી સંસદની લોબીમાં પાણી લીકેજની ઘટના ચોંકાવનારી છે. બાંધકામ પૂર્ણ થયાના એક વર્ષમાં જ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.”
મણિકમે સ્પીકરને લખેલા પત્રમાં લખ્યું કે હું તમામ પક્ષોના સાંસદોની બનેલી એક વિશેષ સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું, જે બિલ્ડિંગનું સંપૂર્ણ નિરીક્ષણ કરશે. કમિટી પાણી લીકેજના કારણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ઉપરાંત બિલ્ડીંગની ડીઝાઈન અને મટીરીયલનું પણ મુલ્યાંકન કરવામાં આવશે. આ પછી, જરૂરી સમારકામની ભલામણ કરવામાં આવશે.
બુધવારે દિલ્હીમાં ભારે વરસાદ બાદ નવા સંસદ ભવનની અંદરથી ચોંકાવનારી તસવીરો સામે આવી છે. સંસદ કેમ્પસના ગેટ પર જ્યાંથી સાંસદોનું આવનજાવન થાય છે ત્યાં પાણી ભરાયાની તસવીરો સામે આવી છે. એટલું જ નહીં, નવી સંસદની લોબીમાં છત પરથી પાણી ટપકતું હોવાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર જોવા મળી હતી.
આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર યુઝર્સે ભવનના નિર્માણ કાર્ય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એક યુઝરે લખ્યું કે તમે જાણો છો કે નવી સંસદ 1,200 કરોડ રૂપિયામાં બનાવવામાં આવી હતી, જેની ઈજ્જત 120 રૂપિયાની ડોલ બચાવી રહી છે.