ટોપ ન્યૂઝનેશનલ

NCERT syllabus: બાબરી ધ્વંશ, ગુજરાત રમખાણો અને હિન્દુત્વ રાજકારણના સંદર્ભો બદલવામાં આવ્યા

નવી દિલ્હી: કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની NDA સરકાર સત્તા પર આવ્યા બાદથી શાળાના પાઠ્યપુસ્તકોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યા છે, જેની ઘણી વાર ટીકા કરવામાં આવે છે. એવામાં નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) એ અગામી શૈક્ષણિક સત્રથી અમલમાં આવનાર ધોરણ 12 માટેના પોલિટીકલ સાયંસના પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદ ધ્વંશ (Babri Dhwansh), હિંદુત્વ રાજકારણ (Hindutva Politics), 2002ના ગુજરાત રમખાણો (Gujarat Riots) અને લઘુમતીઓ(Minorities)ના કેટલાક સંદર્ભોને બદલી દેવામાં આવ્યા છે.

NCERT દ્વારા ગુરુવારે તેની વેબસાઇટ પર આ ફેરફારો અંગે જાણકારી આપવામાં આવી હતી.
પ્રકરણ 8 માં, ભારતીય રાજકારણમાં “અયોધ્યા બાબરી મસ્જીદ ધ્વંસ” ના સંદર્ભોને છોડી દેવામાં આવ્યા છે.
“રાજકીય પ્રકૃતિના સંદર્ભમાં રામ જન્મભૂમિ આંદોલન અને અયોધ્યા ધ્વંસનો શું છે? “ને બદલીને “રામ જન્મભૂમિ આંદોલનનો વારસો શું છે?” કરી દેવામાં આવ્યું છે.


આ જ પ્રકરણમાં બાબરી મસ્જિદ અને હિંદુત્વના રાજકારણનો સંદર્ભ પડતો મૂકવામાં આવ્યો હતો. NCERTએ જણાવ્યું કે રાજકારણની હાલની ગતિવિધિઓ અનુસાર પાઠ્યપુસ્તકો અપડેટ કરવામાં આવ્યા છે.

પ્રકરણ 5 ડેમોક્રેટિક રાઇટ્સ, જેમાં ગુજરાતના રમખાણોનો સંદર્ભ છે, તેને બદલી દેવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ અગાઉ મુસ્લિમ સમુદાયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે પણ બદલવામાં આવ્યા છે. પ્રકરણ 5, અન્ડરસ્ટેન્ડિંગ માર્જિનલાઇઝેશનમાં, મુસ્લિમો વિકાસના લાભોથી “વંચિત” હોવાનો સંદર્ભ કાઢી નાખવામાં આવ્યો છે.

“સેક્યુલરિઝમ” પ્રકરણમાં 2002ના રમખાણોના પીડિતોનું વર્ણન કરતા વાક્યના શબ્દસમૂહને બદલી નાખવામાં આવ્યા છે. જેમકે અગાઉના “ગુજરાતમાં 2002 માં ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન 1,000 થી વધુ વ્યક્તિઓ, મોટાભાગે મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી,” તેને બદલીને “ગુજરાતમાં 2002 માં ગોધરાકાંડ પછીના રમખાણો દરમિયાન 1,000 થી વધુ લોકો માર્યા ગયા હતા” લખવામાં આવ્યું છે.

આ ફેરફાર બદલ NCERT દ્વારા કારણ આપવામાં આવ્યું કે. “કોઈ પણ રમખાણોમાં બધા સમુદાયના લોકો પીડાય છે.માત્ર એક સમુદાય ન નહીં.”

ઇતિહાસ અને સમાજશાસ્ત્રની પાઠયપુસ્તકોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે. હડપ્પન સંસ્કૃતિ, આદિવાસીઓ અને લોકોની હિલચાલના ઇતિહાસમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. સાથે ધોરણ 12ના સમાજશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાંથી કોમી રમખાણોની કેટલીક તસવીરો હટાવી દેવામાં આવી હતી. સરદાર સરોવર ડેમના વિરોધમાં થયેલા આંદલન અંગે પણ ફેરફાર કરવામાં આવ્યા છે.

NCERT પાઠ્યપુસ્તકો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) હેઠળની શાળાઓમાં ભણાવવામાં આવે છે, ભારતમાં CBSE સંલગ્ન આશરે 30,000 શાળાઓ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button