
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે 2 દિવસની મુલાકાતે સિંગાપોર પહોંચ્યા હતા. તેઓ ગુરુવારે સંસદ પહોંચ્યા હતા જ્યાં તેમનું પીએમ લોરેન્સ વોંગ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ સિંગાપોરના પીએમને કહ્યું હતું કે, “તમે વડાપ્રધાન પદ સંભાળ્યા પછી આ મારી પ્રથમ મુલાકાત છે. સિંગાપોર માત્ર મિત્ર દેશ નથી પરંતુ દરેક વિકાસશીલ દેશ માટે પ્રેરણા છે. અમે ભારતમાં ઘણા સિંગાપોર બનાવવા માંગીએ છીએ. મને ખુશી છે કે આપણે આ દિશામાં સાથે મળીને પ્રયાસ કરી રહ્યા છીએ.”

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડા પ્રધાન લોરેન્સ વોંગે ગુરુવારે ઊંડાણપૂર્વક વાતચીત કરી હતી. સિંગાપોર અને ભારત વચ્ચે સેમિકન્ડક્ટર, ડિજિટલ ટેક્નોલોજી, સ્વાસ્થ્ય સહયોગ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રોમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. કરાર અનુસાર, બંને દેશો સેમિકન્ડક્ટર, ક્લસ્ટર ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
PM મોદીએ ગુરુવારે લોરેન્સ વોંગ સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી. આ દરમિયાન વિદેશ મંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર હતા.
વડાપ્રધાનની હાજરીમાં બંને દેશોના અધિકારીઓ દ્વારા અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. કરાર હેઠળ બંને દેશો ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં સહયોગ કરશે.
આ સાથે ડીપીઆઈ, સાયબર સિક્યોરિટી, 5જી, સુપર કમ્પ્યુટિંગ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ જેવી ઉભરતી ટેક્નોલોજી જેવા ડિજિટલ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સહયોગ કરવા બંને દેશો વચ્ચે સહમતિ બની હતી. આ સિવાય બંને દેશો વચ્ચે કામદારોના કૌશલ્યને વધારવા અને ડિજિટલ ડોમેનમાં કામ કરતા લોકોના કૌશલ્યમાં સુધારો કરવા માટે પણ સમજૂતી થઈ છે. ભારતના ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે પણ સેમિકન્ડક્ટર ઈકોસિસ્ટમને મજબૂત કરવા માટે સિંગાપોર સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ અંતર્ગત દેશમાં સેમિકન્ડક્ટર ક્લસ્ટર બનાવવામાં આવશે અને લોકોને સેમિકન્ડક્ટર ડિઝાઇન અને પ્રોડક્શનની ટ્રેનિંગ આપવામાં આવશે.
આ પહેલા બુધવારે સિંગાપુર પહોંચેલા મોદીનું ભારતીય સમુદાયના લોકોએ સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ ઢોલ પણ વગાડ્યો હતો. મોદીનું સ્વાગત કરવા પહોંચેલા કલાકારો ઢોલના તાલે નાચતા જોવા મળ્યા હતા. તેઓએ ‘રામચંદ્ર કી જય’ અને ‘ગણપતિ બાપ્પા મોર્યા’ ના નારા પણ લગાવ્યા હતા. આ દરમિયાન એક મહિલાએ તેમને રાખડી પણ બાંધી હતી. તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન મોદી રાષ્ટ્રપતિ થર્મન ષણમુગરત્નમ સહિત અનેક વરિષ્ઠ નેતાઓને મળશે. પીએમ મોદી સિંગાપોરના વેપારી સમુદાયના નેતાઓને પણ મળશે. વડાપ્રધાન મોદી 6 વર્ષ બાદ વોંગના આમંત્રણ પર સિંગાપોરની બે દિવસની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ નવેમ્બર 2018માં સિંગાપુર ગયા હતા.