ટોપ ન્યૂઝનેશનલ

સદગુરુના ઈશા ફાઉન્ડેશન પર 150 પોલીસકર્મીઓનો દરોડો, મદ્રાસ હાઇકોર્ટના આદેશ બાદ બે બહેનોની તપાસ શરૂ

યોગ ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા તમિલનાડુના કોઇમ્બતુર પાસેના થોંડામુથુરમાં સ્થિત ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં પોલીસે મંગળવારે મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કોઈમ્બતુરના આસિસ્ટન્ટ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ રેન્કના અધિકારીની આગેવાનીમાં 150 પોલીસ અધિકારીઓની ટુકડીએ સદગુરુના આશ્રમની તપાસ કરી હતી. પોલીસે આ કાર્યવાહી મદ્રાસ હાઈકોર્ટના આદેશ પર કરી હતી જેમાં ફાઉન્ડેશન સામે નોંધાયેલા તમામ ફોજદારી કેસોનો અહેવાલ માંગવામાં આવ્યો હતો. હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં ત્રણ ડીએસપી રેન્કના અધિકારીઓ પણ સામેલ હતા.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે ઓપરેશનનું ધ્યાન ત્યાં રહેતા લોકોની વિગતવાર ચકાસણી અને ત્યાં હાજર તમામ રૂમની તપાસ પર હતું. મદ્રાસ હાઈકોર્ટે કોઈમ્બતુર ગ્રામીણ પોલીસને તપાસ કરીને રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. નિવૃત્ત પ્રોફેસર ડૉ. એસ. કામરાજ દ્વારા દાખલ કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ આદેશ આપ્યો હતો. કામરાજનો દાવો છે કે તેમની બે દીકરીઓને ફાઉન્ડેશનમાં બંદી બનાવીને રાખવામાં આવી છે.

ડો. કામરાજના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીઓ ગીતા કામરાજ (42) અને લતા કામરાજ (39)ને કોઈમ્બતુરમાં સદગુરુના ઈશા ફાઉન્ડેશનના આશ્રમમાં કેદમાં રાખવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ઈશા ફાઉન્ડેશને તેની દીકરીઓનું બ્રેઈનવોશ કર્યું છે, જેના કારણે તેઓ સંન્યાસી બની ગઇ છે. તેમની દીકરીઓને ખાવાનું અને દવા આપવામાં આવી રહી છે, જેના કારણે તેમની વિચાર શક્તિ ખતમ થઈ ગઈ છે. તેમનો એવો આરોપ પણ છે કે આ સંગઠન લોકોનું બ્રેઈનવોશ કરી રહ્યું છે અને તેમને સાધુ બનાવી રહ્યું છે તેમ જ તેમને તેમના પરિવારજનો સાથે સંપર્કમાં રહેવા દેતું નથી.

કામરાજે તેમની અરજીમાં પુત્રીઓની શૈક્ષણિક અને વ્યવસાયિક સિદ્ધિઓની પણ માહિતી આપી છે. તેમની મોટી પુત્રી, યુકેની એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી મેકેટ્રોનિક્સમાં અનુસ્નાતક અને ડિવોર્સી છે. ડિવોર્સ બાદ તેણે ઇશા ફાઉન્ડેશનના યોગ વર્ગોમાં હાજરી આપવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમની નાની સોફ્ટવેર એન્જિનિયર દીકરી પણ તેની બહેનના માર્ગે ચાલી અને બંને બહેનોએ કાયમી ધોરણે કેન્દ્રમાં રહેવાનું નક્કી કર્યું છે. આની સામે કામરાજે વાંધો ઉઠાવ્યો છે. જોકે, કામરાજની દીકરીઓએ કોર્ટને જણાવ્યું હતું કે તેમની પર કોઇ જબરદસ્તી કરવામાં આવી નથી. તેઓએ પોતાની ઇચ્છાથી કાયમી ધોરણે કેન્દ્રમાં રહેવાનું નક્કી કર્યું છે. જોકે, બંને બહેનોની સ્પષ્ટતાથી કોર્ટ સહમત નહોતી.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદગુરુ ઉર્ફે જગ્ગી વાસુદેવના જીવનમાં દેખીતા વિરોધાભાસો પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને જસ્ટિસ વી શિવગનનમે કહ્યું હતું કે જગ્ગી વાસુદેવ જેઓ તેમના અનુયાયીઓ વચ્ચે સદગુરુ તરીકે જાણીતા છે, તેમણે તેમની પોતાની પુત્રીના તો લગ્ન કરાવ્યા છે અને તેઓ સારી રીતે સેટલ છે, પરંતુ તો પછી તેઓ શા માટે અન્ય યુવતીઓને સાંસારિક જીવન છોડીને યોગ કેન્દ્રોમાં સંન્યાસીઓની જેમ જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. જોકે, આ મામલે ઈશા ફાઉન્ડેશનનું કહેવું છે કે અહીં કોઈને રહેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું નથી. અહીં રહેતા દરેક લોકો પુખ્ત છે. અને તેમને તેમના જીવન વિશે નિર્ણય લેવાનો અધિકાર છે

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત