તો 100થી વધુ વસ્તુઓ થઇ જશે સસ્તી, GSTના 12%ના સ્લેબમાં ઘટાડા પર ચર્ચા
મુંબઇઃ GST દરમાં ફેરફાર કરીને સામાન્ય માણસને રાહત આપવા માટે કેટલીક વસ્તુઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવા સહિત 100થી વધુ વસ્તુઓ પરના દરમાં ફેરફાર કરવા માટે મંત્રીઓના જૂથે (GoM) ચર્ચા કરી છે, એવી પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યએ માહિતી આપી હતી. જીઓએમની આગામી બેઠક 20 ઓક્ટોબરે યોજાવાની છે. તેમણે કહ્યું હતું કે સાયકલ અને બોટલ્ડ વોટર પરના ટેક્સ પર ફેરવિચારણા કરવામાં આવશે.
નોંધનીય છે કે બુધવારે (25 સપ્ટેમ્બર) ના રોજ છ સભ્યોના મંત્રી જૂથની બેઠક યોજાઈ હતી. ગ્રૂપે 12% સ્લેબમાં મેડિકલ અને ફાર્મા-સંબંધિત વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને આવતા મહિને તેની બેઠકમાં તેની ચર્ચા કરવાનું નક્કી કર્યું હતું.
હાલમાં 5%, 12%, 18% અને 28% ના જીએસટી સ્લેબ છે. જો કે, GST કાયદા મુજબ, સામાન અને સેવાઓ પર 40% સુધી ટેક્સ લગાવી શકાય એવી જોગવાઇ છે. કેટલીક જરૂરી વસ્તુઓ પરના ટેક્સના દરને ઘટાડીને થતી આવકની ખોટની ભરપાઈ કરવા માટે બોટલબંધ પાણી અને પીણાં સહિતની કેટલીક વસ્તુઓ પર વર્તમાન 28 ટકા GST અને સેસ વધારવાની શક્યતા અંગે પણ મંત્રીઓના જૂથે ચર્ચા કરી હતી.
2024માં GST હેઠળ સરેરાશ કર દર ઘટીને 11.56% થયો છે. પશ્ચિમ બંગાળે સૂચન કર્યું છે કે GST કાઉન્સિલની 23મી બેઠકમાં લેવાયેલા નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ જેમાં 28% સ્લેબ ઘટાડીને 178 વસ્તુઓ પરના ટેક્સના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. આનાથી વધુ આવક વધારવામાં મદદ મળશે, અને માલસામાનના ભાવને 5% સુધી નીચે લાવવાથી સામાન્ય માણસને પણ રાહત મળશે. GST કાઉન્સિલની અધ્યક્ષતા કેન્દ્રીય નાણા પ્રધાન કરે છે અને તેમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રધાનોનો સમાવેશ થાય છે.
ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ખાદ્ય ચીજવસ્તુઓને 12%થી 5% સ્લેબમાં લાવવાથી તેમને ભાવ ઘટાડા અંગે રાહત મળશે. જોકે, 18% સ્લેબમાં હેર ડ્રાયર, હેર કલર અને બ્યુટી આઈટમ્સને 28% સ્લેબમાં પાછી લાવી શકાય છે.
સાયકલ પર ટેક્સ લાદવા અંગે પશ્ચિમ બંગાળના નાણા પ્રધાને કહ્યું હતું કે, “સામાન્ય લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી સાયકલ પરના ટેક્સના દરને ઘટાડવા અંગે મંત્રીઓના જૂથમાં વધુ ચર્ચા કરવાની જરૂર છે.” હાલમાં, સાયકલ અને તેના ભાગો અને એસેસરીઝ પર 12% GST છે, જ્યારે ઈ-સાયકલ પર 5% GST છે. મંત્રીઓના છ સભ્યોના જૂથમાં ઉત્તર પ્રદેશના નાણા પ્રધાન સુરેશ કુમાર ખન્ના, રાજસ્થાનના આરોગ્યસેવા પ્રધાન ગજેન્દ્ર સિંહ, કર્ણાટકના મહેસૂલ પ્રધાન કૃષ્ણા બાયરે ગૌડા અને કેરળના નાણાં પ્રધાન કે.એન. બાલાગોપાલનો પણ સમાવેશ થાય છે.