ટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્ર

Narendra Dabholkar murder case: દાભોલકર હત્યા કેસમાં કોર્ટનો ચુકાદો, બે દોષિતોને આજીવન કેદ

પુણે: ડૉ. નરેન્દ્ર દાભોલકરની હત્યાના 11 વર્ષ બાદ આજે આજે શુક્રવારે પૂણે સ્થિત સ્પેશિયલ CBI કોર્ટે ચુકાદો આપ્યો છે. દાભોલકર હત્યા કેસ(Narendra Dabholkar murder case)માં કોર્ટે ત્રણ આરોપીઓને નિર્દોષ અને બેને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે સચિન અંદુરે(Sachin Andure) અને શરદ કાલસ્કર(Sharad Kalaskar)ને આજીવન કેદ સજા સંભળાવી છે, કથિત રીતે બંને દોષિતો સનાતન સંસ્થા(Sanatan Sanstha) સાથે જોડાયેલા છે.

આ હત્યા કેસમાં કુલ 5 આરોપી હતા, જેમાંથી બે દોષિત અને ત્રણને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. પુણેની વિશેષ CBI કોર્ટે આરોપી સચિન અન્દુરે અને શરદ કાલસ્કરને દોષિત ઠેરવ્યા છે, કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. જ્યારે ડો.વીરેન્દ્ર સિંહ તાવડે, વિક્રમ ભાવે અને સંજીવ પુનાલકરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. વીરેન્દ્ર તાવડેને દાભોલકર હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતો હતો, જેને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે.

મહારાષ્ટ્રના જાણીતા સમાજસુધારક નરેન્દ્ર દાભોલકરની 20 ઓગસ્ટ, 2013ના રોજ ઓમકારેશ્વર બ્રિજ પર મોર્નિંગ વોક કરતી વખતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ હત્યા કેસમાં પાંચ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, ફરિયાદ પક્ષે 20 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી, જ્યારે બચાવ પક્ષે બે સાક્ષીઓની તપાસ થઇ હતી. ફરિયાદ પક્ષે તેની અંતિમ દલીલોમાં કહ્યું હતું કે આરોપીઓ દાભોલકરના અંધશ્રદ્ધા સામેના અભિયાનનો વિરોધ કરતા હતા. પુણે પોલીસે આ કેસની શરૂઆતમાં તપાસ કરી હતી. બોમ્બે હાઈકોર્ટના આદેશને પગલે 2014 માં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ તપાસ સંભાળી હતી અને જૂન 2016 માં હિન્દુત્વવાદી સંસ્થા સનાતન સંસ્થા સાથે સંકળાયેલા ENT સર્જન ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરી હતી.

ફરિયાદ પક્ષ અનુસાર, તાવડે હત્યાના માસ્ટરમાઇન્ડ્સમાંનો એક હતો. તાવડે અને અન્ય કેટલાક આરોપીઓ સનાતન સંસ્થા સાથે સંકળાયેલા હતા. CBI અગાઉ તેની ચાર્જશીટમાં ભાગેડુ સારંગ અકોલકર અને વિનય પવારના નામ શૂટર્સ તરીકે આપ્યા હતા. પરંતુ CBIએ પાછળથી સચિન અન્દુરે અને શરદ કાલસ્કરની ધરપકડ કરી અને પૂરક ચાર્જશીટમાં દાવો કર્યો કે તેઓએ દાભોલકરને ગોળી મારી હતી. ત્યારબાદ, કેન્દ્રીય એજન્સીએ એડવોકેટ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની કથિત સહ-ષડયંત્ર રચવાના આરોપસર ધરપકડ કરી હતી.

ટ્રાયલ દરમિયાન, બચાવ પક્ષના વકીલોમાંના એક એડવોકેટ વીરેન્દ્ર ઇચલકરંજીકરે શૂટરોની ઓળખ અંગે CBIના ઢીલા વલણ પર સવાલ ઉઠાવ્યા હતા. આરોપીઓ પર ભારતીય દંડ સંહિતાની કલમ 120B (ષડયંત્ર), 302 (હત્યા), આર્મ્સ એક્ટની સંબંધિત કલમો અને UAPAની કલમ 16 (આતંકવાદી કૃત્યો માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

સીબીઆઈનું માનવું છે કે દાભોલકરની હત્યા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને સનાતન સંસ્થા વચ્ચેનો સંઘર્ષ હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાવડે અને અન્ય આરોપીઓ જેની સાથે સંકળાયેલા છે એ સનાતન સંસ્થા દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિની કામગીરીનો વિરોધ કરતી હતી.

તાવડે, અન્દુરે અને કાલસ્કર જેલમાં છે, જ્યારે પુનાલેકર અને ભાવે જામીન પર બહાર છે. દાભોલકરની હત્યા પછીના ચાર વર્ષમાં અન્ય ત્રણ સમાજસુધારકો, પત્રકારો અને એક્ટીવીસટોની હત્યા કરવામાં આવી હતી, જેમાં સામ્યવાદી નેતા ગોવિંદ પાનસરે (કોલ્હાપુર, ફેબ્રુઆરી 2015), કન્નડ વિદ્વાન અને લેખક એમ.એમ. કલબુર્ગી (ધારવાડ, ઓગસ્ટ 2015) અને પત્રકાર ગૌરી લંકેશ (બેંગલુરુ, સપ્ટેમ્બર. 2017).

આ ચારેય કેસમાં ગુનેગારો એકબીજા સાથે જોડાયેલા હોવાની આશંકા છે.

સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ડો. તાવડે 22 જાન્યુઆરી 2013ના રોજ તેની બાઇક પર પૂણે ગયો હતો. તે 2012થી આ બાઇકનો ઉપયોગ કરી રહ્યો હતો. આ જ બાઇક પર બેસીને હત્યારાઓએ 20 ઓગસ્ટ 2013ના રોજ ડૉ. નરેન્દ્ર દાભોળકર પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ પણ તાવડેએ બાઇકનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. પુણેના એક ગેરેજમાં તેને રીપેર પણ કરવામાં આવ્યું હતું. બાદમાં તે એ જ બાઇક સાથે તે કોલ્હાપુર પણ ગયો હતો, જ્યાં ફેબ્રુઆરી 2015માં કોમરેડ પાનસરેની હત્યા કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button