તહવ્વુર રાણાને અમેરિકાની કોર્ટે આપ્યો ઝટકો, ભારતને પ્રત્યાર્પણ ન કરવાની અરજી ફગાવી

વોશિંગ્ટનઃ અમેરિકાના સુપ્રીમ કોર્ટે 2008 મુંબઈ હુમલાના દોષી તહવ્વુર રાણાને મોટો ઝટકો આપ્યો હતો. ભારતને પ્રત્યાર્પણ કરવાની રોક લગાવવાની તેની અરજી ફગાવી દેવામાં આવી હતી. પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાએ યુએસ ભારત પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાં તેના પ્રત્યાર્પણ સામે સ્ટે મુકવા સુપ્રીમ કોર્ટમાં ઇમરજન્સી અરજી કરી દાવો કર્યો હતો કે જો તેનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવશે તો પાકિસ્તાની મુસ્લિમ હોવાને કારણે તેના પર અત્યાચાર કરવામાં આવશે. હ્યુમન રાઈટ્સ વોચ 2023ના વર્લ્ડ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ભારતની ભાજપ સરકાર ધાર્મિક લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો સાથે ભેદભાવ કરે છે. જોકે સુપ્રીમ કોર્ટે તેની અરજી ફગાવી દેતા મુંબઈ આતંકી હુમલાના કાવતરાખોરને મોટો ઝટકો લાગ્યો હતો.
આ ઉપરાંત અરજીમાં એવું કહેવામાં આવ્યું હતું કે, ભારત સરકાર સતત તાનાશાહ થઈ રહી છે અને ભારત સરકારને સોંપવામાં આવ્યા બાદ તેના પર અત્યાચાર નહીં કરવામાં આવે તેનું કોઈ ચોક્કસ કારણ નથી. તહવ્વુર રાણાએ કહ્યું, તે અનેક પ્રકારની બીમારીથી પીડાય છે. પાર્કિંસંસની સમસ્યા પણ છે. જ્યાં રાષ્ટ્રીય, ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે નિશાન બનાવવામાં આવે તેવી જગ્યાએ ન મોકલવો જોઈએ.
આ પણ વાંચો…આ જગ્યાએ બનશે સ્વર્ગસ્થ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્મારક; પરિવારે આપી મંજૂરી
તહવ્વુર રાણા અને ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ સઈદ ગિલાની બાળપણના મિત્ર છે. હેડલી એક અમેરિકન નાગરિક છે. તેની માતા અમેરિકન અને પિતા પાકિસ્તાની હતા. અમેરિકન અધિકારીઓ દ્વારા ઓક્ટોબર 2009માં તેની શિકાગોથી ધરપકડ કરવામાં આવી હતી.
હેડલીને અમેરિકન કોર્ટે 24 જાન્યુઆરી, 2013ના મુંબઈ હુમલામાં સામેલ હોવા માટે દોષી માનીને 35 વર્ષ જેલની સજા સંભળાવી હતી. તહવ્વુર રાણાએ પાકિસ્તાનની હસન અબ્દાલ કૈડેટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. હેડલીએ અમેરિકા શિફ્ટ થયો તે પહેલાં ત્યાં જ 5 વર્ષ અભ્યાસ કર્યો હતો.
પાકિસ્તાની સેનામાં એક ડૉક્ટર તરીકે તેમના કાર્યકાળ બાદ તહવ્વુર રાણા કેનેડા શિફ્ટ થઈ ગયો હતો અને થોડા વર્ષોમાં ત્યાંનો જ નાગરિક બની ગયો હતો. તેણે શિકાગોમાં ફર્સ્ટ વર્લ્ડ ઈમિગ્રેશન સર્વિસેઝ નામની એક કન્સલટેંસી ફર્મની સ્થાપના કરી હતી. રાણાની કંપનીની એક બ્રાંચ મુંબઈમાં હતી, તેણે હેડલી કોલમેનને મુંબઈમાં રેકી કરવામાં મદદ કરી હતી અને પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીએ 26 નવેમ્બર, 2008ના રોજ નિશાન બનાવ્યું હતું. આ આતંકી હુમલામાં 170થી વધુ લોકોના મૃત્યુ થયા હતા.