‘મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી આઈકન એવોર્ડ-દ્વિતીય’ ફરી ધૂમ મચાવશે દુબઈમાં
!['Mumbai Samachar Global Gujarati Icon Award-II' to be held again in Dubai](/wp-content/uploads/2025/02/mumbai-samachar-dubai-awards.webp)
મુંબઈઃ એશિયાના સૌથી જૂના અખબાર ‘મુંબઈ સમાચાર‘ના દ્વિશતાબ્દી મહોત્સવના કાર્યક્રમમાં દેશ-દુનિયાના ગુજરાતીઓને એકત્ર કરવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાન બાદ જુલાઈ, 2023માં દુબઈ ખાતે યોજાયેલા પ્રથમ મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ-2023ની સફળતા બાદ આ વર્ષે 16મી ફેબ્રુઆરી, 2025ના રોજ શેખ રાશિદ ઓડિટોરિયમ, બર દુબઈ ખાતે મુંબઈ સમાચાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ-દ્વિતીયનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય કાર્યક્રમમાં દસેક લોકોને આ એવોર્ડથી નવાજવામાં આવશે. જાણીતા હાસ્યકાર સાંઈરામ દવે અને તેમની ટીમ, હાસ્યકાર મિલન ત્રિવેદી, ગઝલકાર શોભિત દેસાઈ સમગ્ર કાર્યક્રમનું સૂત્ર સંચાલન કરશે.
આ સમગ્ર કાર્યક્રમ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગમાં દુબઈના પ્રખ્યાત ડેન્યુબ કન્સ્ટ્રક્શન અને થંગલસ જ્વેલર્સના સથવારે રેડિયો પાર્ટનર BIG 106.2, યુએઈ મીડિયા પાર્ટનર ખલિજ ટાઈમ્સ, હોસ્પિટાલિટી પાર્ટનર વિદેશી રેસ્ટોરન્ટ, ટી-પોસ્ટ ટી પાર્ટનર, ફોટોગ્રાફી પાર્ટનર જેએફએલ મીડિયા અને એરકાન ગ્રુપ દ્વારા યોજાશે.
આ પણ વાંચો : ગૌરવવંતા ચાર ગુજરાતીઓનું “મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ” દ્વારા સન્માન…
સમગ્ર કાર્યક્રમનું આયોજન મુંબઈ સમાચાર સહિત સોનલ રાવલ, દુષ્યંત સોની, અમિત સોની દ્વારા કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં એવોર્ડ વિજેતાઓની જાહેરાત મુંબઈ સમાચારમાં કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં ‘મુંબઈ સમાચાર’ પર આધારિત ડોક્યુમેન્ટ્રી મુંબઈ સમાચાર 202 નોટ આઉટનું પ્રથમ વખત જ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટરનું અનાવરણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું લોકાર્પણ ગયા વર્ષે ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંજય છેલ દ્વારા લિખીત અને જાણીતા સંગીતકાર ઉદય મજુમદાર દ્વારા સ્વરબદ્ધ મુંબઈ સમાચારનું ગીત પણ પ્રથમ જ વખત જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.