
મુંબઈઃ એશિયાનું સૌથી જૂનું અને વિશ્વનું ત્રીજા ક્રમાંકનું સૌથી જૂનું અખબાર `મુંબઈ સમાચાર‘ 203 વર્ષે પણ અડીખમ ઊભું છે ત્યારે તેની આ ઐતિહાસિક સફરની ડોક્યુમેન્ટરી ફિલ્મની રિલિઝ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે કરવામાં આવી હતી. આ પ્રસંગે ખૂબ જ રસપ્રદ અને પ્રેરણાદાયી સંબોધન અમિત શાહે આપ્યું હતું અને તેમની કહેલી એક વાત દેશના દરેક ભાષી સમુદાયે સમજવા જેવી છે.
શાહે મુંબઈ સમાચારને વિશેષ અભિનંદન આપ્યા હતા કે તેમણે સ્થાનીય ભાષામાં અખબાર હોવા છતાં આટલી લાંબી મજલ કાપી. માતૃભાષાના ખાસ આગ્રહી શાહે લોકોને આગ્રહ કરતા રહ્યું હતું કે તમારા ઘરમાં તમારી જ ભાષામાં વાત કરવાની ટેવ રાખો. ભાષા સાથે આપણી લાગણી, આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. જો દાદા અને પૌત્રની ભાષા એક નહીં હોય, બન્ને એક ભાષામાં સંવાદ કરી શકતા નહી હોય તો એકબીજાથી જોડાશે કઈ રીતે અને જો આમ નહીં થાય તો પરિવારોમાં અંતર આવશે અને દેશમાં વૃદ્ધાશ્રમ વધશે.

તેમણે કહ્યું કે હું દરેકને વિનંતી કરું છું કે ઓછામાં ઓછું ઘરે માતૃભાષામાં જ વાત કરો, જેથી નવી પેઢી પણ ભાષા શીખી શકે. જો આપણે આપણી માતૃભાષાથી અલગ થઈ જઈશું તો દેશમાં વૃદ્ધાશ્રમ વધી જશે, કારણ કે બે પેઢીઓ ભાષાથી અલગ થઈ જશે. આપણી જવાબદારી યુવા પેઢીને ભાષા સોંપવાની છે.
તેમણે વિશેષમાં જણાવ્યું કે મુંબઈ સમાચારે ગુજરાતી ભાષાનો વારસો સંભાળ્યો છે. આપણી ભાષાઓ આપણી ધરોહર છે. આપણા જેટલું સમૃદ્ધ વ્યાકરણ બીજા કોઈ દેશમાં નથી, આપણે આ વારસો ગુમાવવો જોઈએ નહીં. તેથી જ અમારી સરાકર નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે, કદાચ ઘણા લોકોને તેનાથી તકલીફ હશે. પરંતુ અમે સુનિશ્ચિત કર્યું છે કે બાળકોના પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાનો સમાવેશ થાય, ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળી રહે.
તેમણે પોતાના વ્યક્તિગત જીવન વિશે વાત કરતા જણાવ્યું હતું કે હું મારી બન્ને પૌત્રીઓ સાથે સમય વિતાવું છું અને તેમને ગુજરાતી અને સંસ્કૃત બરાબર આવડે છે કે નહીં તેનું ધ્યાન રાખું છું. તેમનાં શિક્ષકને પણ મળુ છું અને જો તેમણે ગુજરાતીમાં કોઈ ભૂલ કરી હોય તો તેમનું ધ્યાન પણ દોરું છું. દાદા-દાદી પૌત્ર-પૌત્રીઓ સાથે સમય પસાર કરતા હોય છે આથી તેમના વચ્ચે ભાષાનું જોડાણ હોવું ખૂબ જરૂરી છે.
તેમણે વિશેષમાં જણાવ્યું કે મુંબઈ સમાચારે ગુજરાતી ભાષાનો વારસો સંભાળ્યો છે. આપણી ભાષાઓ આપણી ધરોહર છે. આપણા જેટલું સમૃદ્ધ વ્યાકરણ બીજા કોઈ દેશમાં નથી, આપણે આ વારસો ગુમાવવો જોઈએ નહીં. તેથી જ અમારી સરકાર નવી શિક્ષણ નીતિ લાગુ કરી છે, કદાચ ઘણા લોકોને તેનાથી તકલીફ હશે. પરંતુ અમે સુનિશ્ચિત કર્યું છે કે બાળકોના પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાનો સમાવેશ થાય, ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષામાં મળી રહે.
તેમણે આ સાથે જણાવ્યું કે ભાષા સમાવેશી હોવી જોઈએ, નવા શબ્દો અપનાવવા જોઈએ. મરાઠી ભાષામાંથી કોઈ પણ શબ્દ ગુજરાતી ભાષા અપનાવે તો ગુજરાતી ભાષા વધુ સમૃદ્ધ બને છે અને જ્યારે મરાઠી ભાષા ગુજરાતી શબ્દો અપનાવે છે ત્યારે મરાઠી વધુ સમૃદ્ધ બને છે. આવું આદાન પ્રદાન ચાલુ રહેવું જોઈએ. ભાષાઓ એકબીજાની સખી છે.