કોરોનાને નિયંત્રણમાં લાવવા માટે નવી ટાસ્ક ફોર્સની પ્રક્રિયા શરુ: રાજ્યમાં 35 અને મુંબઇમાં 18 નવા દર્દી

મુંબઇ: રાજ્યમાં કોરોનાની રિ-એન્ટ્રી થયા બાદ સાર્વજનિક આરોગ્ય વિભાગે પહેલાંની ટાસ્ક ફોર્સ રદ કરી નવી ટાસ્ક ફોર્સની સ્થાપના કરી છે. આઇસીએમઆરના પૂર્વ પ્રમુખ ડો. રમણ ગંગાખેડકર આ ટાસ્ક ફોર્સના અધ્યક્ષ હોઇ શકે છે. એપ્રિલ 2020માં કોરોનાની શરુઆત થઇ હતી. એ સમયે રાજ્ય સરકારે ડો. સંજય ઓકની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ બનાવી હતી.
કોરોનાના દર્દીઓની સંખ્યામાં નિયંત્રણ લાવવા માટે ટાસ્ક ફોર્સે ખૂબ મહત્વની ભૂમીકા ભજવી હતી. હવે જ્યારે કોરોનાનો ફરીથી પગપસેરો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે ટાસ્ક ફોર્સની પુનર્રચના કરવાનું કામ શરુ કરી દીધું છે. આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીએ આપેલી જાણકારી મુજબ આ ટાસ્ક ફોર્સના સદસ્ય તરીકે 17થી વધુ સભ્યો હોવાની શક્યતાઓ છે.
ઇન્ડિયન યુનિવર્સિટીઓ હેલ્થ સાયન્સના વાઇસ-ચાન્સેલર લેફ્ટનંટ જનરલ ડો. માધુરી કાનિટકર, ડિપાર્ટમેન્ટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ ડિપાર્ટમેન્ટના સંચાલનક ડો. દિલીપ મૈહસેકર, મુંબઇ મહાનગરપાલિકાના કાર્યકારી આરોગ્ય અધિકારી ડો. દક્ષા શાહ આ ટાસ્ક ફોર્સમાં સદસ્ય હશે. ઉપરાંત પુણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સિનિયર અને એક્સપર્ટ્સ, કમ્યુનિટી મેડિસીન વિભાગના એક્સપર્ટ્સ અને કેટલાંક સદસ્યો પણ આ ટાસ્ક ફોર્સમાં હશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા દર્દીઓ નોંધાયા છે. હાલમાં રાજ્યમાં 103 સક્રિય દર્દી છે. શનિવારે રાજ્યમાં 35 નવા દર્દી નોંધાયા હતાં. મુંબઇ-18, થાણે-4, કલ્યાણ-ડોંબિવલી-1, રાયગઢ-1, પનવેલ-1, પુણે-6, પિંપરી-ચિંચવડ-1, સાતારા-2, સાંગલી-1, મિરજ-કુપવાડ-1.