
ભોપાલ: મધ્યપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં હાલમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે ટક્કર છે. એમ લાગે છે કે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું જે વચન પૂરું થઈ રહ્યું છે, તે પરિબળે ક્યાંક ને ક્યાંક ભાજપને ફાયદો આપ્યો છે. કોંગ્રેસ સત્તાથી દૂર દેખાઈ રહી છે. શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપને લીડ મળતી દેખાઈ રહી છે. ભાજપ હાલમાં 155 બેઠકો પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ 73 બેઠકો પર લીડ બતાવી રહી છે. દરમિયાન, મધ્યપ્રદેશમાં ભાજપની લીડ વચ્ચે, કેન્દ્રીય પ્રધાન અને બીજેપી નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા અચાનક મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ઘરે તેમને મળવા પહોંચ્યા છે. હવે આ મુલાકાતના અનેક અર્થ કાઢવામાં આવી રહ્યા છે.
વલણો અનુસાર, એમપીમાં ફરી એકવાર ભાજપની સરકાર બને તેમ લાગી રહ્યું છે. આવી સ્થિતિમાં શિવરાજ સિંહને મળવા જ્યોતિરાદિત્ય સિંધિયાનું આવવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠક દરમિયાન એમપીમાં આગામી સરકારની રચના સાથે જોડાયેલી ઘણી બાબતો પર ચર્ચા થઇ હોય તેમ માનવામાં આવે છે. ભાજપે આ વખતે મધ્ય પ્રદેશમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવારનું નામ જાહેર કર્યું નહોતું. આ ચૂંટણી પીએમ મોદીના નામ પર લડવામાં આવી હતી. એવામાં અહીંના મુખ્ય પ્રધાન પદનો તાજ કોના શિરે ચઢશે એ જોવાનું રહેશે.
દરમિયાનમાં MPની અલગ-અલગ સીટો પર ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. પૂર્વ સીએમ દિગ્વિજયના પુત્ર જયવર્ધન સિંહ ગુનાની રાઘોગઢ વિધાનસભા બેઠક પરથી આગળ ચાલી રહ્યા છે. અહીં ભાજપના હિરેન્દ્ર સિંહ બંટી પાછળ છે. જયવર્ધન સિંહને 602 મતોની લીડ છે. ભોપાલની 7 સીટોનો ટ્રેન્ડ જાહેર થયો છે. દક્ષિણ પશ્ચિમ અને મધ્ય વિધાનસભામાં કોંગ્રેસ આગળ છે. નરેલા, હુઝુર, ગોવિંદપુરા અને બેરસિયામાં ભાજપ આગળ છે. કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર દિમાનીથી આગળ ચાલી રહ્યા છે