
નવી દિલ્હી: આગામી મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 39 નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં ચૂંટણીનો માહોલ જામશે. મધ્ય પ્રદેશ મોટું રાજ્ય હોવાથી ભાજપે ચૂંટણી માટે જોરદાર તૈયારી શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ બીજી યાદીમાં ત્રણ કેન્દ્રિય પ્રધાન સહિત સાત સાંસદોના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ યાદીમાં નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, રીતી પાઠક, પ્રલ્હાદ પટેલ જેવા મોટા નામોનો પણ સમાવેશ છે. 25મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલની મુલાકાત પણ લીધી હતી. તેમણે ભાજપના કાર્યકર્તાઓનું સંબોધન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યાર બાદ સોમવારે સાંજે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે સાંસદો સહિત કેન્દ્રિય પ્રધાનોને પણ ઉમેદવારી આપી છે. ભાજપે મુરેનના દિમાની મતદારસંઘમાંથી નરેન્દ્ર સિંહ તોમર, સતનામાંથી ગણેશ સિંહ, જબલપુર પશ્ચિમમાંથી રાકેશ સિંહ, ગદરવારમાંથી સાંસદ ઉદય પ્રતાપ સિંહ, નરસિંગપુરમાંથી પ્રલ્હાદ પટેલ અને નિવાસ મતદારસંઘમાંથી ફગ્ગન સિંહ કુલસ્તેને વિધાનસભાની ટિકીટ આપવામાં આવી છે.
ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાસ વિજયવર્ગીયને ઇંદોરથી વિધાનસભાની ઉમેદવારી સોંપી છે. દેપાલપુરથી મનોજ પટેલ અને છિંદવાડામાંથી બંટી સાહૂને ટિકીટ આપાવમાં આવી છે.
મધ્ય પ્રદેશની બીજી યાદીમાં નારી શક્તી વંદનના દર્શન પણ થયા છે. અહીં ભાજપે છ મહિલાઓને પણ ઉમેદવારી આપી છે. સિધીમાંથી રીતી પાઠક, ડબરામાંથી પૂર્વ પ્રધાન ઇમરતી દેવી, પરાસિયામાંથી જ્યોતિ ડેહરિયા અને ગંગાબાઇ ઉઇકેનું નામ સામેલ કરવામાં આવ્યું છે.