આમચી મુંબઈટોપ ન્યૂઝનેશનલ

મુંબઈ હવે દિલ્હી માર્ગે? સૌથી વધુ પ્રદૂષિત વિસ્તારો ક્યાં, જાણો ચોંકાવનારો રિપોર્ટ

મુંબઈઃ દેશના પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે, જે લોકો માટે ચિંતાજનક સમાચાર છે. મુંબઈના નાઈટ્રોજન ડાયોક્સાઈડ (એનઓ૨)નું સ્તર વધી રહ્યું છે, જેમાં સૌથી વધુ વધારો મઝગાંવ અને બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારોમાં જોવા મળ્યો છે.

તાજેતરમાં ગ્રીનપીસ રિપોર્ટ. “બિયોન્ડ નોર્થ ઈન્ડિયા: પોલ્યુશન એન્ડ હેલ્થ રિસ્ક્સ ઇન સેવન મેજર ઈન્ડિયન સિટીઝ” રિપોર્ટમાં મુંબઈમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડ પ્રદૂષણનું ભયજનક સ્તર હોવાનું જણાવ્યું છે. સેટેલાઇટ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે મુંબઈની હવામાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું સ્તર સરેરાશ કરતાં વધ્યું છે. મઝગાંવ નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં સૌથી વધુ વધારો ધરાવતા વિસ્તારોની યાદીમાં ટોચ પર છે, ત્યાર બાદ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી)નો નંબર આવે છે. મઝગાંવમાં નાઈટ્રોજન ડાયોક્સાઈડનું સ્તર દૈનિક સરેરાશની સરખામણીમાં ૭૦ ટકા વધ્યું છે, જે અહીંના રહેવાસીઓના આરોગ્ય માટે ચિંતા ઊભી કરે છે. આ ઉપરાંત, મલાડ વેસ્ટમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સૌથી વધુ સ્તર નોંધાયું હતું, ત્યાર બાદ બાંદ્રા BKC છે.

સૌથી વધુ પ્રદૂષણ ક્યાં?
મુંબઈમાં ૨૪ હવાની ગુણવત્તા માપવાના સ્ટેશન છે. તેમાંથી ૨૨ મોનિટરિંગ સ્ટેશન પર વાર્ષિક સરેરાશ નાઈટ્રોજન ડાયોક્સાઈડનું પ્રમાણ ૨૦૨૩માં વિશ્વ આરોગ્ય સંસ્થાની આરોગ્ય માર્ગદર્શિકાને વટાવી ગઈ છે. મઝગાંવમાં મર્યાદા કરતાં ૨૬૭ દિવસ વધુ જ્યારે સાયનમાં ૨૫૯ દિવસ નોંધાયા હતા. આ અહેવાલ એક નિર્ણાયક સત્યને દર્શાવે છે કે વાયુ પ્રદૂષણનું સ્તર માત્ર દિલ્હી કે ઉત્તર ભારત પૂરતું મર્યાદિત રહ્યું નથી. ભારતના તમામ મોટા શહેરોમાં નાઇટ્રોજન ડાયોક્સાઇડના ઊંચા સ્તર માટે પરિવહન ક્ષેત્રનો મોટો ફાળો છે.

આ પણ વાંચો : એક પણ ભારતીયને શુદ્ધ હવા નથી મળતી, પ્રદૂષણ અંગેનો આ ડરામણો રિપોર્ટ જાણો

આરોગ્ય પર વિપરીત અસર?
વધતા વાયુ પ્રદુશનની પ્રતિકૂળ અસર આરોગ્ય પર પડે છે. જેમ કે અસ્થમાનું જોખમ, શ્વાસનળીમાં બળતરા, શ્વસનની સ્થિતિ બગડવી. તે ફેફસાના વિકાસને અવરોધે છે, એલર્જીને તીવ્ર બનાવી શકે છે અને શ્વસન મૃત્યુદર અને રુધિરાભિસરણ રોગો, ઇસ્કેમિક હૃદય રોગ અને ફેફસાના કેન્સરથી મૃત્યુની સંભાવનાઓમાં વધારો કરી શકે છે. દેશની વસ્તીના ૧૦ ટકા ભાગ એવા બાળકોને પ્રદૂષણની ખતરનાક અસરો ભોગવવી પડે છે. ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો માટે આરોગ્યનું જોખમ બમણું બને છે.

કઈ રીતે ઉકેલ લાવી શકાય?
વધતા પ્રદૂષણનો સામનો કરવા માટે આપણે ટકાઉ, કાર્યક્ષમ જાહેર પરિવહન પ્રણાલી તરફ વળવું પડશે. જેથી લોકો અંગત વાહનોનો ઉપયોગ ઓછો કરે. સ્વચ્છ, વધુ સુલભ ટ્રાન્ઝિટ વિકલ્પોમાં રોકાણ કરવું એ માત્ર પર્યાવરણીય જરૂરિયાત નથી પણ જાહેર આરોગ્યની તાત્કાલિક આવશ્યકતા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button