
મોરોક્કોમાં શુક્રવારે મોડી રાત્રે આવેલા 6.8ની તીવ્રતાના ભૂકંપને કારણે જાનમાલને વ્યાપક પ્રમાણમાં નુકશાન પહોંચ્યું છે, મૃત્યુઆંક 2000ને વટાવી ગયો છે. મોરોક્કન સરકારે જણાવ્યું કે ભૂકંપમાં અત્યાર સુધીમાં 2012 લોકોના મોત થયા છે અને 2059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1404 લોકોની હાલત ગંભીર છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક હજુ વધે એવી શક્યતા છે. બચાવ કાર્ય ચાલુ છે.

ભૂકંપનું કેન્દ્ર તારોદન્ત રાજ્યના અલ હૌઝમાં હતું, ત્યાં જ સૌથી વધુ લોકોના જીવ ગયા છે. આ સિવાય ક્વારાઝેટ, ચિચોઆ, અજીલાલ અને યુસેફિયા પ્રાંત તેમજ મારકેશ અને અગાદીરમાં પણ જાનમાલને ભારે નુકશાન પહોંચ્યું છે. ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકો હજુ પણ આઘાતમાં છે.

મોરોક્કન સરકારે કહ્યું કે સંસાધનો એકત્રિત કરવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મદદ મોકલવામાં આવી છે. લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. સેનાએ ફિલ્ડ હોસ્પિટલ બનાવીને લોકોની સારવાર શરૂ કરી દીધી છે. ભૂકંપને કારણે મોરોક્કોને કેટલું નુકસાન થયું છે તેનું આકલન કરવામાં આવી રહ્યું છે.

વિવિધ દેશના નેતાઓએ પણ મોરોક્કોમાં માર્યા ગયેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી હતી અને શક્ય મદદની ખાતારી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 મીટિંગ દરમિયાન મોરોક્કોના લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને પણ એક નિવેદનમાં કહ્યું હતું કે તેઓ મોરોક્કોમાં ભૂકંપને કારણે થયેલા જાનમાલના નુકસાનથી દુ:ખી છે અને તેમણે મોરક્કો સરકારને તમામ સંભવ મદદ કરવાનું વચન આપ્યું છે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ શોક વ્યક્ત કર્યો છે. પોપ ફ્રાન્સિસે પણ શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે મોરોક્કો સાથે અલ્જીરિયામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ત્યાં કોઈ નુકસાનના સમાચાર નથી.