Morbi Bridge Tragedy: જયસુખ પટેલને VIP ટ્રીટમેન્ટ મળી રહી હોવાનો દાવો, સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફરની માંગ
અમદાવાદ: મોરબી ઝુલતા પૂલ હોનારતમાં ભોગ બનેલા લોકોના સંબંધીઓ ન્યાય માટે લડી રહ્યા છે. કેસમાં મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ હાલ મોરબીની સબ-જેલમાં કેદ છે. ત્યારે પીડિતોના પરિવારજનોએ મોરબી સબ-જેલ પ્રસાશન સામે ગંભીર આરોપો મૂક્યા છે. જયસુખ પટેલને જેલમાં વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
પીડિતોના પરિવાજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે જયસુખ પટેલના સાથીદારો આ કેસમાં કેટલાક પીડિતોના પરિવારજનોને ધમકાવી રહ્યા છે અને તેમને કોર્ટની કાર્યવાહીમાં હાજર ન રહેવા માટે ધમકી આપવામાં આવે છે. રાજ્યના મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, ડીજીપી, અને જેલ વિભાગના આઈજીને સંબોધીને લખેલા પત્રમાં પીડિત પરિવારોએ જયસુખ પટેલને અમદાવાદ, વડોદરા કે સુરતની કોઈપણ સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવા માંગ કરી છે.
પીડિત પરિવારોએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે જો પટેલને મોરબી જેલમાં રાખવામાં આવશે તો તે તેમના રાજકીય સંપર્કોનો ઉપયોગ કરીને અને તેમને ન્યાયિક પ્રક્રિયાથી દૂર રાખવા તથા કેસના સાક્ષી બનેલા લોકોને નિવેદન બદલવા ધમકી આપી શકે છે.
પત્રમાં કોર્ટ કાર્યવાહી અંગે પણ નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી અને આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ન્યાયની ખાતરી તેમના ગૃહ રાજ્યમાં ભુલાઈ ગઈ છે. પીડિતો પરિવારોએ પત્રમાં જણાવ્યું હતું કે જયસુખ પટેલને ખાનગી વાહનમાં લાવવામાં આવી રહ્યા છે.
પીડિત પરિવારો તરફથી કેસ લડતા એડવોકેટે જણાવ્યું હતું કે, ” આક્ષેપો ગંભીર છે. આરોપોની સ્વતંત્ર અને સંપૂર્ણ તપાસ થવી જોઈએ. જો આરોપો સાચા સાબિત થાય, તો સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.”
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, “જ્યારે 135 લોકોના મૃત્યુ સાથે સંકળાયેલા કેસમાં આરોપી વ્યક્તિને પોલીસ વાનમાં નહીં પરંતુ ખાનગી વાહનમાં કોર્ટમાં લઈ જવામાં આવે છે, ત્યારે અમને શંકા છે કે તેને કદાચ VIP ટ્રીટમેન્ટ મળી રહી છે. અમુક પોલીસ અથવા જેલ વિભાગના અધિકારીઓ જેલની અંદર પટેલને મદદ કરી રહ્યા છે “
પીડિત પરિવારોએ વરિષ્ઠ જેલ અને પોલીસ અધિકારીઓને તેમના આક્ષેપોની ચકાસણી કરવા માટે છેલ્લા ત્રણ મહિનાના જેલના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસવા વિનંતી કરી હતી.